નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર આવતા વર્ષની પહેલી ફેબ્રુઆરીએ તેનું વાર્ષિક (2023-24 માટેનું) સામાન્ય બજેટ સંસદમાં રજૂ કરશે. બજૈટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. 2024માં લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે તેથી એ પૂર્વેનું તે આખરી સંપૂર્ણ બજેટ હશે. ચૂંટણીને લક્ષમાં રાખીને સરકાર આ વખતના બજેટમાં યોજનાઓ પાછળ મોટા પાયે ખર્ચો કરવાનું ટાળશે એવી ધારણા રખાય છે. એને બદલે નરેન્દ્ર મોદી સરકાર નાણાકીય સંચય (કોન્સોલિડેશન) પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરશે.
મોદી સરકાર 2014માં કેન્દ્રમાં સત્તા પર આવી ત્યારથી લોકસભા ચૂંટણી-વર્ષમાં બજેટ તૈયાર કરતી વખતે મોટે ભાગે નાણાકીય કોન્સોલિડેશનના માર્ગને જ વળગી રહી છે. પરંતુ, કોરોનાવાઈરસ મહામારીએ સરકારી નાણાંતંત્રને ગંભીર માઠી અસર પહોંચાડી છે અને વર્ષ 2020-21 માટેની નાણાકીય ખાધ જીડીપીના 9.3 ટકાના વિક્રમી સ્તરે ઘટી ગઈ છે.
દેશના 80 ટકાથી પણ વધારે અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 2024ની લોકસભા ચૂંટણી તેમજ વૈશ્વિક આર્થિક મંદીના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એમનાં આ વખતનાં બજેટમાં સરકારી યોજનાઓ માટે મોટા ખર્ચની જાહેરાત કરવાનું ટાળવાનું પસંદ કરશે અને તેને બદલે નાણાકીય સંચય-સંગ્રહનો માર્ગ અપનાવશે. એને પરિણામે દેશની જનતા તથા ઉદ્યોગગૃહોને રાહત પૂરી પાડવાની સરકારની ક્ષમતા પણ મર્યાદિત થઈ જશે.