નવી દિલ્હીઃ કેરળ રાજ્યમાં નિપાહ વાઈરસ રોગચાળો ફેલાયો છે ત્યારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના મેડિસીન વિભાગના પ્રોફેસર ડો. આશુતોષ બિશ્વાસનું કહેવું છે કે આ વાઈરસ સામે કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી.
નિપાહ વાઈરસ શું છે?
આ વાઈરસ જનાવરોમાંથી માનવીઓમાં ફેલાય છે. જેનાથી પીડિત વ્યક્તિને તાવ આવે છે, ગળામાં બળતરા થાય છે, માથું દુખે છે, ઉલટી થાય છે, ચક્કર આવે છે. કેરળમાં નિપાહ વાઈરસને કારણે 12 વર્ષના એક છોકરાનું મૃત્યુ થયું છે. નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલની ટીમ આ કેસને હજી સમજી રહી છે. આ વાઈરસના લક્ષણો કોરોનાવાઈરસના લક્ષણોને મળતા આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નું કહેવું છે કે નિપાહ વાઈરસ શ્વાસને લગતી બીમારી છે. આ બીમારી વધી જાય તો દર્દી બેશુદ્ધ થઈ જાય છે અને એને મગજનો તાવ લાગુ પડી જાય છે, જે જીવલેણ બની શકે. આ વાઈરસ ચામાચીડિયાઓની લાળ દ્વારા પ્રસરે છે. ચામાચીડિયાઓ જે ફળ ખાય એમાંથી પણ નિપાહનો માનવીઓમાં ફેલાવો થાય છે. બાદમાં માનવીઓના શરીરના પ્રવાહી પદાર્થો મારફત અન્ય માનવીઓમાં ફેલાઈ શકે છે.