ઈન્ટરનેટ વાપરવું એ નાગરિકનો મૂળભૂત અધિકાર નથીઃ કેન્દ્ર સરકાર

નવી દિલ્હી – જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્ર સરકારના નિર્ણયને કેન્દ્રીય સંદેશવ્યવહાર પ્રધાન રવિશંકર પ્રસાદે વાજબી ગણાવ્યો છે અને કહ્યું કે ઈન્ટરનેટનો ઉપયોગ કરવાના અધિકારના નામે રાષ્ટ્રીય સુરક્ષા સાથે મેલી રમત રમાતી હતી.

પ્રસાદે કહ્યું કે જમ્મુ-કશ્મીરમાંની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સુવિધાના મામલે નિયમિત સ્તરે સમીક્ષા કરવામાં આવશે.

પ્રસાદે ગઈ કાલે રાજ્યસભામાં એક સવાલના જવાબમાં કહ્યું હતું.

એમણે એમ પણ કહ્યું કે ઈન્ટરનેટ ઉપયોગને નાગરિકના મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવા માટે બંધારણમાં સુધારો કરવાનો સરકારનો કોઈ વિચાર નથી.

ગઈ 10 જાન્યુઆરીએ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે જમ્મુ અને કશ્મીરમાં ઈન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરવાના તેના આદેશોની તે સમીક્ષા કરે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે અભિવ્યક્તિની આઝાદી, વાણીસ્વાતંત્ર્ય તથા ઈન્ટરનેટ પર કાર્ય કરવું એ નાગરિકના મૂળભૂત અધિકારો દર્શાવતી બંધારણની 19મી કલમનો એક હિસ્સો છે. જો કે એમાં વાજબી રીતે નિયંત્રણો લાગુ કરી શકાય છે.

આ મુદ્દાનો પુનરોચ્ચાર કરતાં રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે ઈન્ટરનેટના ઉપયોગના અધિકારને મૂળભૂત અધિકાર ગણવાની ખોટી માન્યતા સ્પષ્ટ થવી જોઈએ.

પ્રસાદે પોતાની દલીલમાં કહ્યું કે, ઈન્ટરનેટના ઉપયોગનો અધિકાર મહત્ત્વનો છે એ ખરું, પરંતુ દેશની સલામતી પણ એટલી જ મહત્ત્વની હોય છે. કાયદો અને વ્યવસ્થા એ રાજ્યનો વિષય છે. શું આપણે એ વાત નકારી શકીએ એમ છીએ કે ઈન્ટરનેટ, જે માનવ મનનું ઉત્તમ સર્જન છે, એનો ત્રાસવાદીઓ દુરુપયોગ કરતા નથી? એવી જ રીતે, સમાજવિરોધી તત્ત્વો ખોટા સમાચાર ફેલાવીને કોમી હિંસા ભડકાવતા હોય છે. એ વાતનો કોઈ ઈનકાર નહીં કરે કે ઈન્ટરનેટનો ઉપયોગ હિંસા અને ત્રાસવાદનો ફેલાવો કરવા માટે કરાય છે અને પાકિસ્તાન કશ્મીરમાં એ જ કરતું આવ્યું છે. ત્રાસવાદી જૂથ ISIS ઈન્ટરનેટના ઉપયોગને કારણે જ વૃદ્ધિ પામ્યું હતું.

પ્રસાદે ભારપૂર્વક કહ્યું કે દેશનું બંધારણ નાગરિકોને અધિકારો પૂરા પાડે છે, પરંતુ એના નિયમોના પાલનની પણ એટલી જ જરૂર હોય છે. તમે ઈન્ટરનેટનો ઉપયોગ કરી છો, પણ તમે હિંસાનું નિર્માણ કરી ન શકો, દેશની એકતા, અખંડતા અને સલામતીને નબળી પાડી ન શકો.