દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના OSD લાંચ લેતા સીબીઆઈના હાથે ઝડપાયા

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 8 ફેબ્રુઆરીના રોજ થનારા વોટિંગ પહેલા આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ છે. સીબીઆઈએ દિલ્હીના ડેપ્યૂટી સીએમ અને પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાના OSD ગોપાલ કૃષ્ણ માધવને બે લાખ રુપિયાની લાંચ લેતા પકડવામાં આવ્યા છે. આ મામલો ટેક્સમાં રાહત આપવા સાથે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે આ ભ્રષ્ટાચારના મુદ્દા પર થયેલા અન્ના આંદોલનથી જન્મેલી આમ આદમી પાર્ટી માટે મોટો ઝટકો છે. તો પાર્ટીએ દિલ્હી ચૂંટણીમાં પણ ઈમાનદારીને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું કે કથિત રુપથી બે લાખ રુપિયાની લાંચ લેતા સમયે તેમની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યું કે, માધવને પૂછપરછ માટે તાત્કાલિક સીબીઆઈના મુખ્યાલયમાં લઈ જવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે સિસોદિયાની કોઈ ભૂમિકા સામે આવી નથી. મામલાની તપાસ ચાલુ છે. તે 2015થી સિસોદીયાના કાર્યાલયમાં કામ કરે છે. આ ધરપકડ દિલ્હી વિધાનસભા ચૂંટણીના બે દિવસ પહેલા કરવામાં આવી છે.