કિસાન-ટ્રેક્ટર-પરેડ માટે દિલ્હી પોલીસની કડક માર્ગદર્શિકા

નવી દિલ્હીઃ આંદોલનકારી ખેડૂતોને આવતીકાલે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં 63 કિ.મી. લાંબી ટ્રેક્ટર રેલી કે ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપી છે, પરંતુ એ માટે કડક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જેમ કે, (1) ખેડૂતો ટીકરી, સિંઘૂ અને ગાઝીપુર ચેકનાકાઓ પરથી દિલ્હીમાં પ્રવેશી શકશે, પણ એમણે એમના મૂળ સ્થાને પાછા જતા પણ રહેવું પડશે. (2) ખેડૂતોને તેમની રેલીને ક્યાંય પણ અટકવા દેવામાં નહીં આવે. (3) રાજપથ ખાતે પ્રજાસત્તાક દિન પરેડ સમાપ્ત થાય એ પછી જ ખેડૂતોને ટ્રેક્ટર પરેડ કાઢવા દેવામાં આવશે.

બીજી બાજુ, ખેડૂતોના સંગઠન ‘સંયુક્ત કિસાન મોરચા’એ કહ્યું છે કે એમની ટ્રેક્ટર પરેડ શાંતિપૂર્વકની હશે, અમારે કંઈ દિલ્હી સર નથી કરવું, પણ દેશનાં લોકોનાં દિલ જીતવા છે. ટ્રેક્ટર રેલી-પરેડમાં ટ્રેક્ટરો સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો ભાગ લે એવી ધારણા છે. ખેડૂત સંગઠનોએ પણ એમના સાથી દેખાવકારો માટે માર્ગદર્શિકા ઘડી છે. જેમ કે, (1) ખેડૂત આગેવાનોએ એમની કાર કે ટ્રેક્ટરમાં આગળ બેસવું, (2) ઉચિત કારણ વગર કાર કે ટ્રેક્ટરને અટકવા દેવામાં નહીં આવે, (3) દરેક ટ્રેક્ટર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો પડશે અને લોકસંગીત અને દેશભક્તિના ગીતો વગાડવાના રહેશે (4) પ્રતિ ટ્રેક્ટર પર મિનિમમ પાંચ વ્યક્તિ બેસી શકશે (5) સખત ઠંડી હોવાથી દરેક જણે પોતપોતાનું જેકેટ કે બ્લેન્કેટ સાથે રાખવું (6) તાકીદની તબીબી પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે 40 એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ સાથે રહેશે.