નવી દિલ્હીઃ નોટબંધી થઈ હતી, એ સમયે સરકારે દાવો કર્યો હતો કે દેશમાં રોકડ રૂપિયા બહુ ઓછા મળશે. ખાસ કરીને રોકડનો ચૂંટણીમાં ઉપયોગ બહુ ઓછો થઈ જશે, પણ પાંચ વર્ષ પછી સ્થિતિ એકદમ અલગ છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાની વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધી રૂ. 1000 કરોડથી વધુ રોકડ, ડ્રગ્સ, દારૂ અને અન્યા માલાસામાન જપ્ત કરવામાં આવ્યો છે. આમ નોટબંધીની કોઈ અસર ચૂંટણી પર નથી પડી.
ચૂંટણી પંચે એક નિવેદનમાં કહ્યું હતું કે રૂ. 109 કરોડનું ડ્રગ્સ નાર્કોટિક્સ ડિરેક્ટોરેટે પંજાબમાંથી જપ્ત કર્યું છે, જ્યારે ઉત્તર પ્રદેશથી આઠ લાખ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પંચે રૂ. 299.84 કરોડનો ગેરકાયદે માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં 2017થી ચાર ગણની રોકડ, ડ્રગ્સ અને અન્ય ગેરકાયદે માલસામાન પંચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પંજાબમાં સૌથી વધુ રૂપિયાનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. પંજાબમાં પંચ દ્વારા રૂ. 510 કરોડની રોકડ, ડ્રગ્સ, દારૂ અને અન્ય ગેરકાયદે માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં રૂ. 307.92 કરોડ, મણિપુરમાં રૂ. 167.83 કરોડ, ગોવામાં રૂ. 18.73 કરોડ અને ઉત્તરાખંડમાંથી રૂ. 12.73 કરોડની રોકડ અને ગેરકાયદે સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
2022માં પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં રૂ. 140.29 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે, જ્યારે પંચ દ્વારા 82 લાખ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત રૂ. 99 કરોડ બતાવવામાં આવે છે. આ બધો સામાન મતદાતાઓમાં વહેંચવાનો હતો, જેથી મતદાતાઓને આકર્ષી શકાય.