પટનાઃ બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ગૃહપ્રધાન અમિત શાહે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં નીતીશકુમારની પાર્ટી JDUની વાપસીના સવાલ પર કહ્યું હતું કે પ્રસ્તાવ આવ્યો તો વિચાર કરીશું. તેમના આ નિવેદન પછી બિહારમાં રાજકારણમાં રાજકીય પારો ઊંચે ચઢ્યો છે. RJD અને JDU ગઠબંધન તૂટવાની ચર્ચા તેજ થઈ ગઈ છે.
બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા વિજયકુમાર સિંહાના નિવાસસ્થાને ભાજપના વિધાનસભ્યોની બેઠક ચાલી રહી છે તો નીતીશકુમાર પણ JDUના બધા વિધાનસભ્યો અને સાંસદોને આગામી આદેશ સુધી પટનામાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા હતા. બિહારમાં ભાજપના ગઠબંધનની સહયોગી હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)ના પ્રમુખ જીતનરામ માંઝીએ X પર પોસ્ટ કરીને બધા વિધાનસભ્યોને 25 જાન્યુઆરી સુધી પટનામાં જ રહેવા માટે નિર્દેશ આપ્યા હતા.
પટનામાં રાજકીય હલચલની વચ્ચે RJD પ્રમુખ લાલુ યાદવ પુત્ર અને ડેપ્યુટી CM તેજસ્વી યાદવની સાથે CM હાઉસ પહોંચ્યા હતા. તેમણે નીતીશકુમાર સાથે મુલાકાત કરી હતી. તેમણે આ બેઠકને સામાન્ય ગણાવતાં નીતીશકુમારની આગેવાનીમાં કામ કરી રહ્યાની માહિતી આપી હતી.તેમણે લાલુ અને નીતીશને એક ગણાવતાં કહ્યું હતું કે બિહારથી ભાજપ સાફ થઈ જશે. તેમણે ઓલ ઇઝ વેલનો સંદેશ આપ્યો હતો, પરંતુ આ બેઠકને RJD તરફથી ટેન્શન ઓછું કરવા માટે લેવાયેલું પગલું તરીકે જોવામાં આવે છે.
નીતીશકુમારની સરકારના મંત્રી અશોક ચૌધરીએ પટનામાં રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. સૂત્રોએ દાવો કર્યો હતો કે અશોક ચૌધરી ભવન નિર્માણ વિભાગ તરફથી કરવામાં આવી રહેલા કાર્યની સમીક્ષા કરવા પહોંચ્યા હતા.
ભાજપના વિધાનસભ્યોની બેઠક, JDU સાંસદો-વિધાનસભ્યોને નીતીશનો આદેશ અને માંઝીનો આદેશ –ટનામાં રાજકીય ઘટનાક્રમ જોતા સવાલ થઈ રહ્યા છે કે 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનથી માંડીને 25 જાન્યુઆરીની વચ્ચે બિહારમાં મોટો રાજકીય ખેલો થશે?