નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના દોષિત ફાંસીની સજાથી બચવા માટે નીતનવા ગતકડાં અપનાવી રહ્યાં છે. દોષિત વિનય શર્માએ રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવવાની સાથે જ માનસિક સ્થિતિ ખરાબ હોવાની દલીલ આપીને ફાંસીની સજામાંથી માફી મળે તેવી માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવા વિરુદ્ધ દોષિત વિનય શર્માની અરજી પર ચુકાદો શુક્રવાર માટે અનામત રાખ્યો છે.
નિર્ભયા કેસમાં દોષિત વિનયના વકીલે ફાંસીને ટાળવા માટે પેંતરો અપનાવતા કહ્યું કે વિનય શર્માની માનસિક સ્થિતિ સારી નથી, માનસિક રીતે પ્રતાડિત થતો હોવાના કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે. આથી તેને ફાંસી આપી શકાય નહીં. વકીલ એપી સિંહે કહ્યું કે મારા ક્લાયન્ટને જેલ પ્રશાસન દ્વારા અનેકવાર માનસિક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. તેને દવા આપવામાં આવી. કોઈને માનસિક હોસ્પિટલ ત્યારે મોકલાય જ્યારે તેની માનસિક સ્થિતિ સારી ન હોય. એપી સિંહે કહ્યું કે વિનય શર્માની માનસિક સ્થિતિ યોગ્ય નથી, માનસિક રીતે પ્રતાડિત થતો હોવાના કારણે વિનય મેન્ટલ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યો છે આથી તેને ફાંસી આપી શકાય નહીં. એપી સિંહે કહ્યું કે આ બધુ વિનય શર્માના જીવવાના અધિકાર કલમ 21નો ભંગ છે.
રાષ્ટ્રપતિ તરફથી દયા અરજી ફગાવવાની પ્રક્રિયા પર સવાલ ઉઠાવતા વકીલ એપી સિંહે કહ્યું કે હું અન્યાયને રોકવા માંગુ છું. અધિકૃત ફાઈલ પર ગૃહમંત્રી અને એલજીના હસ્તાક્ષર નથી. આથી હું ફાઈલનું પરીક્ષણ કરવા માંગુ છું. મે આ માટે આરટીઆઈ દાખલ કરી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેંચને તમામ દસ્તાવેજ બતાવ્યાં અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવાયા છે.
વિનય શર્માના વકીલે કહ્યું કે આ દસ્તાવેજ વોટ્સએપથી મંગાવવામાં આવ્યાં છે. જસ્ટિસ ભાનુમતીએ કહ્યું કે આ દસ્તાવેજ તમારા લાભ માટે નથી, તે કોર્ટની સંતુષ્ટિ માટે છે. એપી સિંહે કહ્યું કે મારા ક્લાયન્ટ વિનયને ફાંસી પર લટકાવવામાં આવે એ કોઈ પ્રાઈવેટ જોબ નથી તે ઉપ રાજ્યપાલની બંધારણીય ફરજનો મામલો છે.
વિનય શર્માના વકીલ એપી સિંહે કહ્યું કે પહેલીવાર દેશમાં એવું બનશે કે 4 એવા લોકોને ફાંસી આપવામાં આવશે જે હેબિચ્યુઅલ અપરાધી નથી. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે દસ્તાવેજ વોટ્સએપથી મંગાવવામાં આવ્યાં, અસલી દસ્તાવેજ કેમ દેખાડવામાં આવતા નથી. મારા ક્લાયન્ટને માનસિક રીતે પરેશાન કરાય છે.
વિનય શર્માના વકીલે કહ્યું કે રાષ્ટ્રપતિ પાસે પેન્ડિંગ દયા અરજીની લાઈન લાગી છે. પરંતુ માત્ર આ મામલે પિક એન્ડ ચૂઝની નીતિ અપનાવવામાં આવી રહી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, સ્મૃતિ ઈરાની અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે નિર્ભયા મામલે પ્રેસ કોન્ફરન્સ સુદ્ધા કરી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દોષિત વિનય દયા અરજી સાથે MHAને વિનયની કૌટુંબિક સ્થિતિ અને તેના ભાઈ બહેનની જાણકારી તથા તમામ દસ્તાવેજો રાષ્ટ્રપતિ પાસે મોકલ્યા હતાં.
સોલિસિટર જનરલે કહ્યું કે વિનયની દયા અરજી ફગાવતા MHAએ કહ્યું હતું કે ખુબ જઘન્ય અપરાધ છે અને તે રેર ઓફ ધ રેરેસ્ટ મામલો છે. સોલિસિટર જનરલે કહ્યું કે જેલના તમામ કેદીઓનું રૂટીન માનસિક ચેકઅપ કરાય છે. વિનયની દયા અરજી ફગાવવાના ચુકાદાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો.