નારાયણ મૂર્તિના જમાઈ રિશી સુનક નિમાયા બ્રિટનના નવા નાણાં પ્રધાન

બેંગલુરુ/લંડન – બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સને એમના પ્રધાનમંડળમાં ધરખમ ફેરફારો કર્યા છે અને ભારતીય મૂળના રિશી સુનકને નાણાં પ્રધાન બનાવ્યા છે.

રિશી સુનક જગવિખ્યાત ઈન્ફોર્મેશન ટેક્નોલોજી કંપની ઈન્ફોસીસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિનાં જમાઈ છે.

રિશી સુનક બ્રિટનમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા છે. તેઓ પાકિસ્તાની મૂળના નાણાં પ્રધાન સાજિદ જાવિદના અનુગામી બન્યા છે. જાવિદને બ્રેક્ઝિટ મામલે વડા પ્રધાન જોન્સન સાથે મતભેદ થયા છે અને એમણે પોતે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.

સાજિદ જાવિદ

સુનક 39 વર્ષના છે અને નારાયણ મૂર્તિના પુત્રી અક્ષતાને પરણ્યા છે. દંપતીને બે પુત્રી છે – ક્રિષ્ના અને અનુષ્કા.

સુનક 2019ના જુલાઈથી નાણાં સચિવ તરીકે સેવા બજાવી રહ્યા છે.

બ્રિટનમાં જોન્સન સરકારનું બજેટ રજૂ થવાને આરે છે ત્યારે સુનકની નાણાં પ્રધાન પદે નિમણૂક કરવામાં આવી છે.

બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન (ડાબે) અને રિશી સુનક

બોરીસ જોન્સને ભારતીય મૂળનાં ત્રણ સંસદસભ્યોને એમની કેબિનેટમાં મહત્ત્વના ખાતા આપ્યા છે. અન્ય બે પ્રધાન છે – પ્રીતિ પટેલ (ગૃહ પ્રધાન) અને આલોક શર્મા (બિઝનેસ પ્રધાન). પ્રીતિ પટેલ 47 વર્ષીય છે અને આલોક શર્મા 51 વર્ષના છે, તે મૂળ આગરાના છે. પ્રીતિ પટેલે જોકે એમનું ગૃહ મંત્રાલય જાળવી રાખ્યું છે.

પ્રીતિ પટેલ (ગૃહ પ્રધાન) અને આલોક શર્મા (બિઝનેસ પ્રધાન).

બ્રિટનમાં ગયા વર્ષના ડિસેંબરમાં થયેલી સંસદીય ચૂંટણીમાં ભારતીય મૂળના 15 સભ્યો સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.

કોણ છે રિશી સુનક?

  • રિશી સુનક બ્રિટનમાં જન્મયા છે અને ગયા વર્ષે રિચમંડ (યોર્ક્સ) બેઠક પરથી બીજી વાર સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.
  • હાલ એ સરકારમાં નાયબ પ્રધાન છે. એ પહેલાં 2018માં એમને આવાસ પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
  • રિશી સુનકના પિતા ડોક્ટર હતા અને માતા ફાર્મેસીની દુકાન ચલાવતા હતા.
  • બ્રિટનમાં બીજા નંબરના સર્વોચ્ચ હોદ્દા પર પહોંચનાર રિશી સુનક પહેલા જ ભારતીય મૂળના સંસદસભ્ય છે.
  • રિશી સુનકના માતા-પિતા એમનાં દાદા-દાદીની સાથે ભારતમાંથી બ્રિટનમાં આવીને વસ્યાં હતાં. રિશીનો જન્મ 1980માં હેમ્પશાયરના સાઉથહેમ્પટનમાં થયો હતો.
  • રિશી સુનકે એમનું સ્કૂલ શિક્ષણ વિન્ચેસ્ટરમાં કર્યું હતું. ત્યારબાદ એમણે ઓક્સફર્ડમાંથી ફિલોસોફી, પોલિટીક્સ અને ઈકોનોમિક્સમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. એમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એમબીએ ડિગ્રી પણ હાંસલ કરી છે