લખનઉઃ નિર્ભયા મામલે ચારેય દોષિતોને તિહાડ જેલ પ્રશાસન દ્વારા પૂછવામાં આવ્યું કે, શું તેઓ પોતાના પરિવારને છેલ્લીવાર મળવા ઈચ્છે છે? પરંતુ ચારેયમાંથી કોઈએ પણ હજી સુધી સમય જણાવ્યો નથી. ચારેય દોષિતોને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવામાં આવશે. નિયમો અનુસાર, જેમને ફાંસીની સજા આપવામાં આવે છે, તેમને પૂછવામાં આવે છે કે શું તેઓ અંતિમ વાર પોતાના પરિવારના કયા સભ્યને અને ક્યારે મળવા ઈચ્છે છે. આ સીવાય તેમને એપણ પૂછવામાં આવે છે કે તેઓ પોતાની સંપત્તિ કોના નામે કરવા ઈચ્છે છે? જેલના વહીવટી તંત્ર દ્વારા જ્યારે ચારેય દોષિતો મુકેશ સિંહ, વિનય સિંહ, અક્ષય સિંહ અને પવન ગુપ્તાને બંન્ને સવાલો કરવામાં આવ્યા ત્યારે કોઈ જવાબો ન મળ્યા. આનાથી લાગે છે કે તેમને હજી અપેક્ષા છે કે તેમને હજી વધારે સમય મળી શકે છે. તો પવન જલ્લાદ 30 જાન્યુઆરીના રોજ તિહાડ જેલ પહોંચી જશે અને બાદમાં તે તિહાડ જેલમાં જ રહેશે. નિર્ભયાના ચારેય આરોપીઓને તિહાડની જેલ નંબર-3માં અલગ-અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. દરેક દોષીની સેલની બહાર બે સિક્યોરિટી ગાર્ડ તૈનાત રહે છે. દર બે કલાકમાં આ ગાર્ડોને આરામ આપવામાં આવે છે. શિફ્ટ બદલાતા બીજા ગાર્ડ તૈનાત કરવામાં આવે છે. એક કેદી માટે 24 કલાક માટે આઠ-આઠ સિક્યોરિટી ગાર્ડ લગાવવામાં આવ્યા છે. એટલે કે ચારેય કેદીઓ માટે કુલ 32 સિક્યોરિટી ગાર્ડને રાખવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મૃત્યુની સજા પામેલા દોષિતોને ફાંસી આપવા માટે સાત દિવસની સમય મર્યાદા નિર્ધારિત કરવાનો અનુરોધ કરતા કેન્દ્રએ ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી. ડિસેમ્બર 2012 માં નિર્ભયા સામૂહિક બળાત્કાર અને હત્યા મામલે દોષિતો દ્વારા પૂનર્વિચાર અરજી, સુધારાત્મક અરજી અને દયા અરજી દાખલ કરવાના કારણે મોતની સજાના નિર્ણય પર અમલમાં વિલંબને ધ્યાને રાખતા ગૃહમંત્રાલયની આ અરજી ખૂબ મહત્વપૂર્ણ છે.
દિલ્હીની કોર્ટે તાજેતરમાં જ આ મામલે ચારેય દોષિતોને એક ફેબ્રુઆરીના રોજ ફાંસી પર લટકાવવાનું વોરન્ટ જાહેર કર્યું છે. આ પહેલા દોષિતોને 22 જાન્યુઆરીના રોજ ફાંસી આપવાની હતી પરંતુ પેન્ડિંગ અરજીઓને કારણે આવું ન થઈ શક્યું. નિર્ભયા સાથે 16 ડિસેમ્બર 2012ની રાત્રે દક્ષિણ દિલ્હીમાં ચાલતી એક બસમાં છ વ્યક્તિઓ દ્વારા સામૂહિક બળાત્કાર બાદ બહુ ખરાબ રીતે તેને ઘાયલ કરીને તેને રોડ પર ફેંકી દેવામાં આવી હતી. નિર્ભયાનું બાદમાં 29 ડિસેમ્બર 2012 ના રોજ સિંગાપુરમાં એક હોસ્પિટલમાં નિધન થયું હતું.