નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અમલદારોએ માનવ તસ્કરીની ગેરપ્રવૃત્તિઓ વિરુદ્ધ મોટા પાયે સપાટો બોલાવ્યો છે. તેમણે દેશમાં એક સાથે 10 રાજ્યોમાં ઓપરેશન હાથ ધરીને આ ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી પાંચ આંતરરાષ્ટ્રીય સ્તરની ટોળકીઓનો પર્દાફાશ કર્યો અને તેના 44 બદમાશોની ધરપકડ કરી છે. એનઆઈએ અમલદારોએ ગઈ કાલથી આ ટોળકીઓના સ્થાનો પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
આ દરોડા એનઆઈએ, સીમા સુરક્ષા દળ અને સંબંધિત 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવ્યા છે. આ ટોળકીઓ માનવીઓની હેરાફેરી તેમજ ભારત-બાંગ્લાદેશ સરહદ પારથી ગેરકાયદેસર વસાહતીઓને ભારતમાં ઘૂસાડી દેશમાં એમનો વસવાટ કરાવવા જેવી ગેરપ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે.
એનઆઈએ દ્વારા આ દરોડા ત્રિપુરા, આસામ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, તામિલનાડુ, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન, જમ્મુ અને કશ્મીર તથા પુડુચેરી (કેન્દ્રશાસિત પ્રદેશો)માં પાડવામાં આવ્યા છે. અમલદારોએ જે 44 જણને પકડ્યા છે એમાંના 21ને ત્રિપુરામાં, કર્ણાટકમાં 10, આસામમાં પાંચ, પશ્ચિમ બંગાળમાં 3, તામિલનાડુમાં બે તથા પુડુચેરી, તેલંગણા અને હરિયાણામાં એક-એક જણનો સમાવેશ થાય છે.
