નવી દિલ્હીઃ ભારતમાં ત્રાસવાદી હુમલા અને કૃત્યો કરાવવા માટે દેશના દુશ્મનો અને દેશદ્રોહીઓ સક્રિય હોવાની અને એ માટે ટેરર ફંડિંગ કરાતું હોવાની બાતમી મળ્યા બાદ કેન્દ્ર સરકાર અત્યંત કડક બની ગઈ છે. કેન્દ્રીય તપાસ એજન્સીઓ – એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી) અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના અધિકારીઓએ ગઈ કાલે મધરાતે અને આજે વહેલી સવારે વિવાદાસ્પદ સંગઠન પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના નેતાઓ તથા કાર્યકર્તાઓને ત્યાં દેશભરમાં દરોડા પાડ્યા છે. આ દરોડા તામિલનાડુ, કર્ણાટક, તેલંગણા, આંધ્ર પ્રદેશ, આસામ સહિત 10 જેટલા રાજ્યોમાં પાડવામાં આવ્યા છે અને પીએફઆઈના 100 જેટલા કાર્યકર્તાઓને અટકમાં લેવામાં આવ્યા છે.
દેશમાં ટેરર ફંડિંગ મામલે અત્યાર સુધીમાં આ સૌથી મોટા પાયે હાથ ધરાયેલી તપાસ અને સપાટો છે. આખા ઓપરેશનમાં બંને કેન્દ્રીય તપાસ એજન્સીના 300થી વધારે અધિકારીઓ સામેલ થયા છે. એમને અર્ધલશ્કરી દળ તથા સ્થાનિક પોલીસની સહાયતા પૂરી પાડવામાં આવી છે. જે લોકો ત્રાસવાદી કૃત્યો માટે આર્થિક ભંડોળ મેળવતા, ત્રાસવાદની તાલીમ માટેની શિબિરો યોજતા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોમાં કટ્ટરતાનું ઝેર ફેલાવતા તત્ત્વોના આવાસ, ઓફિસો પર આ દરોડા પાડવામાં આવ્યા છે.