‘ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ચિંતાજનક બની શકે છે’

નવી દિલ્હીઃ અહીંની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)ના વડા ડો. રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે ભારતમાં જે કોરોનાવાઈરસના ચેપની બીજી લહેર માટે કારણરૂપ બન્યું હતું તે B.1.617.2 સ્ટ્રેનનો મ્યુટેટેડ પ્રકાર ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ હાલ ભારતમાં વધારે મ્યુટેટ થઈ રહ્યો છે અને તેને K417N તરીકે ઓળખવામાં આવ્યો છે. જો આ વેરિઅન્ટને કાબૂમાં રાખવામાં નહીં આવે તો એ ચિંતાજનક બની શકે છે. ભારતે આ માટે બ્રિટનને થયેલા અનુભવમાંથી પાસેથી શીખવા જેવું છે, કારણ કે ત્યાં આ વેરિઅન્ટને કારણે કોરોના બીમારીના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે.

એક મુલાકાતમાં ડો. ગુલેરિયાનું કહેવું છે કે જો કોરોનાના આ પ્રકારનો એના જેવી જ આક્રમકતા અને ગતિ સાથે સામનો કરવામાં નહીં આવે તો દેશમાં આ રોગના કેસ બહુ ઝડપથી વધી શકે છે. દેશના ઘણા ભાગમાં અનલોક પગલાં લેવામાં આવ્યા હોવાથી ખાસ કાળજી રાખવાની જરૂર છે. ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટ જેવો જ છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું જ છે કે આ વેરિઅન્ટ ચિંતાનો વિષય બની શકે છે. આગામી અમુક અઠવાડિયાઓ આપણે કડક દેખરેખ રાખવાની જરૂર છે.