કોરોના-જંગમાં યોગ બન્યું આશાનું કિરણઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ આજે સાતમા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા સંબોધન કર્યું છે. વહેલી સવારે કરેલા સંબોધનમાં એમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ કોરોનાવાઈરસ મહાબીમારી સામે જંગ ખેલી રહ્યું છે ત્યારે યોગવિદ્યા આશાના એક કિરણ તરીકે ઉભરી આવી છે. મોદીએ કહ્યું કે યોગ લોકોને નકારાત્મક્તાથી સકારાત્મક્તા તરફ દોરી જાય છે. આમ તે રોગચાળાના સંકટમાં લોકોને આંતરિક શક્તિ પ્રદાન કરે છે.

અદ્રશ્ય વાઈરસ જ્યારે ગયા વર્ષે માનવજાત પર ત્રાટક્યો હતો ત્યારે કોઈ પણ દેશ સાધનો, સામર્થ્ય અને માનસિક રીતે તેની સામે લડવા તૈયાર નહોતો. પરંતુ યોગવિદ્યાએ લોકોનું આત્મબળ અને મનોબળ વધારવાનું કામ કર્યું. યોગ આપણને સ્ટ્રેસમાંથી સ્ટ્રેન્થ અને નેગેટિવિટીમાંથી ક્રિએટિવિટીનો માર્ગ બતાવે છે.