પ્રિયંકા ગાંધીનાં રાજકારણ-પ્રવેશ અંગે મોદીની ટકોરઃ ‘કેટલાકને મન પરિવાર જ પાર્ટી છે’

નવી દિલ્હી – પ્રિયંકા ગાંધી-વાડ્રાનાં રાજકારણમાં સક્રિય પ્રવેશના મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટકોર કરી છે અને કહ્યું છે કે કેટલાકને મન પરિવાર જ પાર્ટી છે.

મહારાષ્ટ્રમાંથી આવેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથેની વાતચીતમાં વડા પ્રધાને કહ્યું કે કેટલાક જણને મન પરિવાર જ પાર્ટી છે જ્યારે શાસક ભાજપમાં એનાથી વિપરીત છે.

વડા પ્રધાને વધુમાં એવો દાવો પણ કર્યો હતો કે ભાજપમાં કોઈ નિર્ણય કોઈ પરિવારને ધ્યાનમાં રાખીને લેવાતો નથી કે કોઈ ચોક્કસ પરિવાર ઈચ્છે એવું કંઈ નક્કી કરાતું નથી. એટલે જ એ લોકોના કિસ્સામાં એવું બોલાય છે કે પરિવાર જ પાર્ટી છે જ્યારે ભાજપ માટે પાર્ટી એક પરિવાર જેવી છે.

મોદીએ કહ્યું કે ભાજપની રચના આપણા પક્ષના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી છે અને પાર્ટી દેશને સમર્પિત છે. લોકશાહીના સિદ્ધાંતોનું જો ખરેખર કોઈ પાર્ટી અનુસરણ કરતી હોય તો એ ભાજપ છે. લોકશાહી આપણી સંસ્કૃતિનો એક હિસ્સો છે.

ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓએ પણ પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી વિશે જુદી જુદી રીતે ટકોર કરી છે.

ભાજપનાં પ્રવક્તા સંબીત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસે વાસ્તવમાં જાહેરમાં કહી દીધું છે કે રાહુલ ગાંધી નિષ્ફળ ગયા છે અને પરિવારની અંદરના જ કોઈક ટેકાની જરૂર છે. મહાગઠબંધનવાળા પક્ષોએ છોડી દીધા બાદ રાહુલે પારિવારિક જોડાણને પસંદ કર્યું છે.

કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ વંશવાદનું રાજકારણ રમે છે. પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ છે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે આ પાર્ટી પરિવારની પ્રોપર્ટી છે.