ISISમાં સંપર્ક રાખતાં 9 યુવાનોને એટીએસે દબોચ્યાં, શંકાસ્પદ કેમિકલ જપ્ત

મુંબઈઃ મહારાષ્ટ્ર એટીએસે આઈએસઆઈએસ કનેક્શનના મામલે ઘણી જગ્યાએ છાપામારી કરી હતી. આ દરમિયાન એટીએસે 9 શંકાસ્પદ લોકોને દબોચી લીધાં છે. આરોપીઓ પાસેથી ઘણા મોબાઈલ સહિત કેટલાક કેમિકલ પણ જપ્ત કરાયા છે. ત્યારે આ વચ્ચે સમાચારો સામે આવ્યા છે કે આ મામલે મહારાષ્ટ્ર બહાર પણ કેટલીક ધરપકડ થઈ શકે છે.

મહારાષ્ટ્ર એટીએસનું કહેવું છે કે ઈનપુટના આધાર પર પ્રતિબંધિત આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે જોડાયેલા એક સમૂહના લોકોની તપાસમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન થાણેના મુંબ્રા અને ઔરંગાબાદ જિલ્લામાં પાંચ જગ્યાએ છાપામારી કરવામાં આવી હતી.મંગળવારે રાત્રે સંદિગ્ધોની પૂછપરછ પણ કરવામાં આવી હતી.

છાપામારી મામલે જાણકારી આપતા એટીએસે જણાવ્યું કે સર્ચ ઓપરેશન બાદ 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. છાપેમારીની કાર્યવાહી દરમિયાન કેટલાક કેમિકલ, પાવડર, મોબાઈલ ફોન, હાર્ડ ડ્રાઈવ, સિમકાર્ડ, એસિડ બોટલ અને ધારદાર હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. યૂએપીએ અંતર્ગત ધરપકડ આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ હજી ચાલુ છે.

પ્રતીકાત્મક તસવીર

એટીએસના એક અધિકારીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે પકડાયેલા તમામ સંદિગ્ધ સીરિયા જવાના હતા. ત્યાં તેમને ફિદાયીન ટ્રેનિંગ આપવામાં આવવાની હતી. પકડાયેલા કુલ 9 લોકો પૈકી 5 લોકો ઔરંગાબાદ અને ચાર લોકો ઠાણે જિલ્લાના મુંબ્રાના રહેવાસી છે. એટીએસ આમની સાથે કડકાઈથી પૂછપરછ કરી રહી છે. એટીએસે જે લોકોને પકડ્યા છે તે તમામ લોકો પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયાની ઔરંગાબાદ શાખાના સલમાનના સંપર્કમાં હતા.

મુંબ્રામાં પકડવામાં આવેલા એક સગીર સહિત મહોમ્મદ મઝહર શેખ, મોહસિન ખાન અને ફહદ શાહના નામ સામે આવી રહ્યાં છે. મહોમ્મદ મઝહર શેખ મિકેનિકલ એન્જિનીયર અને મોહસિન ખાન સિવિલ એન્જિનીયર છે. ફહદ શાહ આર્કિટેક્ટ હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર તમામ લોકોને પહેલા પકડવામાં આવ્યાં અને પછી એટીએસ તેમના ઘરે પહોંચી અને ત્યાં તપાસ કરી હતી.