શહેરો કરતાં ગામડાઓમાં ઈન્ટરનેટ-યૂઝર્સની સંખ્યા વધી ગઈ છેઃ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું છે કે દેશમાં આવતા 4-5 વર્ષમાં માળખાકીય સવલતોના વિકાસ માટે રૂ. 110 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે. દુનિયામાં એ દેશે જ સૌથી ઝડપથી પ્રગતિ કરી છે જેણે પોતાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ગંભીરતાપૂર્વક મૂડીરોકાણ કર્યું છે.

મોદીએ બિહારમાં કનેક્ટિવિટી વધારતી 9 હાઈવે યોજનાઓનો આજે વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ સંપન્ન કર્યો હતો. તે ઉપરાંત એમણે ઘર-સુધી-ફાઈબર નેટવર્ક યોજનાનો શુભારંભ પણ કરાવ્યો છે.

‘ઘર-તક-ફાઈબર’ યોજનાના આરંભ સાથે બિહાર રાજ્યમાં 45,945 ગામડાઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી છે.

વડા પ્રધાને કહ્યું કે ભારતમાં દાયકાઓ સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા અને વ્યાપક પરિવર્તનો લાવવા પર ખાસ ધ્યાન અપાયું નહોતું. હવે આવનારા 4-5 વર્ષોમાં આ માટે રૂ. 110 લાખ કરોડનો ખર્ચ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. આમાં 19 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ હાઈવે બાંધકામો સાથે જોડાયેલા છે.

મોદીએ કહ્યું કે દેશમાં ગામડાઓમાં ઈન્ટરનેટ ટેક્નોલોજીનો ઉપયોગ કરનારાઓની સંખ્યા શહેરો કરતાં વધી જશે એવું હજી અમુક જ વર્ષો પહેલાં વિચારવું પણ મુશ્કેલ હતું, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને તે વાત હકીકત બની ગઈ છે. આજે ગામડાઓમાં ખેડૂતો, યુવાલોકો, મહિલાઓ આસાનીથી ઈન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે. હવે જ્યારે ગામડાઓમાં ઈન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે ત્યારે એ જોવું પણ જરૂરી છે કે ગામડાઓમાં સારી ક્વોલિટી, સ્પીડવાળું ઈન્ટરનેટ ઉપલબ્ધ થાય. સરકારના પ્રયાસોથી દેશના આશરે દોઢ લાખ પંચાયતો સુધી ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવામાં આવ્યું છે. વીતેલા 6 વર્ષોમાં દેશભરમાં 3 લાખથી વધારે કોમન સર્વિસ સેન્ટરો પણ ઓનલાઈન જોડી દેવાયા છે. હવે આ જ કનેક્ટિવિટી દેશના પ્રત્યેક ગામ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે દેશ આગળ વધી રહ્યો છે.