નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શુક્રવારે પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવનો મહાન નેતા તરીકે ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે અનેક અવરોધો હોવા છતાં પણ તેમણે હિંમતપૂર્વક દેશમાં ઘણા સુધારા કર્યા. તેમણે કહ્યું હતું કે પી.વી. નરસિમ્હા રાવના સાહસિક નેતૃત્વને પગલે દેશ અને પડકારોનો સામનો કરીને આગળ વધ્યો. મહત્વનું છે કે, શુક્રવારે પી.વી. નરસિમ્હા રાવના જન્મ શતાબ્દી ઉજવણી પ્રસંગે પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે નરસિમ્હા રાવ ફક્ત તેમના જન્મસ્થાન તેલંગાણા સાથે જ નહીં પણ સમગ્ર દેશ સાથે જોડાયેલા હતા.
આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પૂર્વ વડા પ્રધાન પી.વી. નરસિમ્હા રાવને યાદ કર્યા અને કહ્યું કે તેમના હિંમતવાન નેતૃત્વને કારણે દેશ અનેક પડકારોને પાર કરવામાં સફળ રહ્યો છે અને પાર્ટીને તેમની ઉપલબ્ધિઓ અને યોગદાનનો ગર્વ છે.
પૂર્વ રેકોર્ડ કરેલા સંદેશમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે ‘તેલંગાણા પીસીસી દ્વારા આયોજીત પૂર્વ વડા પ્રધાનના જન્મ શતાબ્દી સમારોહની ઉજવણીથી હું ખુશ છું. પરંતુ હું માનું છું કે અન્ય લોકોએ પણ તેમની જન્મ શતાબ્દી ઉજવવી જોઈએ, કેમ કે તેમને સંબંધ સમગ્ર દેશ સાથે હતો. ‘ ભૂમિ સુધારણા કાર્યક્રમમાં પૂર્વ વડા પ્રધાનના યોગદાનને યાદ કરતાં પ્રણવ મુખર્જીએ કહ્યું કે તેમણે ઘણાને પ્રેરણા આપી છે.
મહત્વનું છે કે, પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવનો જન્મ 28 જૂન, 1921 ના રોજ થયો હતો અને 23 ડિસેમ્બર, 2004 ના રોજ તેમનું અવસાન થયું હતું. તેઓ 21 જૂન 1991થી 16 મે 1996 સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા.