નવી દિલ્હી: પાકિસ્તાનમાં શીખોનો પવિત્ર સ્થળ નનકાના સાહિબ ગુરુદ્વારા પર પથ્થરમારો અને શીખો પર થયેલા હુમલાને લઈને ભારતમાં રાજનીતિ શરુ થઈ ગઈ છે. નાગરિકતા કાયદાને લઈને કોંગ્રેસના વિરોધનો સામનો કરી રહેલી ભાજપને પાકિસ્તામાં થયેલી આ ઘટનાએ પલટવાર કરવાનું હથિયાર આપી દીધું છે. શનિવારે ભાજપની સાથે પંજાબમાં તેમના સહયોગી અકાલી દળે કોંગ્રેસને નાગરિકતા કાયદાના વિરોધ મુદ્દે ઘેરી. ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ ઘટનાથી જાણવા મળ્યું કે, દેશમાં નાગરિકતા કાયદાની જરુર છે. અકાલી દળની નેતા અને કેબિનેટ મંત્રી હરસિમરત કૌર બાદલે પણ કોંગ્રેસ પર હુમલો કર્યો. નનકાના સાહિબમાં થયેલા પથ્થરમારાનો ઉલ્લેખ કરતા હરસિમરત કૌરે કહ્યું કે, પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોનું ઉત્પીડન એક હકીકત છે.
પાકિસ્તાનની આ ઘટનાને લઈને ભારતના શીખ સમુદાયમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શીખોએ નનકાના હુમલાના વિરોધમાં શનિવાર બપોરે દિલ્હી અને જમ્મુમાં પ્રદર્શન કર્યું. દિલ્હીમાં આ હુમલાના વિરોધમાં શીખ સમુદાયના લોકો પોસ્ટર અને બેનરો સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા શીખ સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ કરી રહેલા અકાલી દળના નેતા મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું કે, પાકિસ્તાને જે કર્યું તે ઘણુ નિદનીય છે. પાકિસ્તાનામાં શીખોને ધમકી આપવામાં આવી રહી છે, એટલું જ નહીં નનકાના સાહિબના નામને બદલવાની જે ધમકી દેવામાં આવી છે અને ત્યાં સુધી કે, પાકિસ્તાનમાંથી શીખોને કાઢવાની ધમકી આપવામાં આવી રહી છે અમે તેની કડક નિંદા કરીએ છીએ.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ નનકાના સાહિબની ઘટના દરમ્યાન એક યુવકનું ભડકાઉ નિવેદન ટ્વીટ કરતા કોંગ્રેસ પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે, શું કોઈ આને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે ઈટાલીમાં અનુવાદ કરી શકે તો તે પાકિસ્તાનમાં અલ્પસંખ્યકોના ઉત્પીડનના પુરાવા માગવાનું બંધ કરી દે.
છત્તિસગઢ કોંગ્રેસે ટ્વીટર પર જ સંબિત પાત્રાને તીખી પ્રતિક્રિયા આપતા ટ્વીટ કર્યું કે કોઈ પણ ભાષામાં અનુવાદ કરવાની જરુર નથી સૌ કોઈ જાણે છે કે, આ સંઘી ભાષા છે. આ જ ભાષામાં થોડા દિવસો પહેલા જ ઈન્ડિયા ગેટ પર ગોળી મારોના નારા ભાજપના નેતાઓ દ્વારા લગાવમાં આવી રહ્યા હતા. બંને તરફથી એક જેવા જ જૂઠા વિડિયો ટ્વીટ થઈ રહ્યા છે, એક જેવી જ ભાષા બોલવામાં આવી રહી છે.
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરીએ પણ આ મામલે ટ્વીટ કરતા લખ્યું કે, નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલા આ શર્મજનક ઘટનાઓથી એ તમામ લોકોની આંખો ખુલી જવી જોઈએ જે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકોના ઉત્પીડનનો ઈનકાર કરી રહ્યા અને સીએએનો વિરોધ કરી રહ્યા છે.