નાગાલેન્ડના સાંસદનો રાહુલ ગાંધી પર ગંભીર આરોપ

નવી દિલ્હીઃ સંસદમાં થયેલી ધક્કમુક્કીમાં ભાજપના બે સાંસદ ઘાયલ થયા છે. આ મુદ્દે વિવાદ વધી રહ્યો છે. ભાજપના નાગાલેન્ડથી સાંસદ એસ ફૈનોંગ કોન્યાકે રાજ્યસભામાં સભાપતિ જગદીપ ધનખડથી ફરિયાદ કરી હતી કે રાહુલ ગાંધીએ તેમની સાથે ગેરવર્તણૂક કરી છે.

નાગાલેન્ડના સાંસદે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધી મારી પાસે આવ્યા અને મને ધક્કો માર્યો હતો.  આ મામલે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે જણાવ્યું હતું કે મહિલા સાંસદ રડતાં-રડતાં મારી પાસે આવ્યા હતા. તેમણે મને લેખિત ફરિયાદ કરી છે. તે ભારે આઘાતમાં હતી.

તેમણે જણાવ્યું હતું કે હું રાજ્યસભાના અધ્યક્ષને મળી છું. મેં મારી સુરક્ષાની માગ કરી છે. આજે હું બહાર શાંતિપૂર્વક વિરોધ કરી રહી હતી. રાહુલ ગાંધી એકદમ નજીક આવીને ઊભા રહ્યા. હું અસ્વસ્થ થઈ ગઈ હતી. રાહુલ ગાંધી મારા પર બૂમો પાડવા લાગ્યા. આ રીતે બૂમો પાડવી રાહુલ ગાંધીને શોભતું નથી. હું ખૂબ જ દુઃખી છું અને મને રક્ષણ જોઈએ છે.

આ પહેલા ભાજપાધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમારા સાંસદો સાથે  ધક્કામુક્કી કરી હતી. અમારા બે સાંસદો ઈજાગ્રસ્ત થયા છે. નાગાલેન્ડ ભાજપનાં મહિલા સાંસદ કોન્યાકને રાહુલ ગાંધીએ ધક્કો માર્યો હતો.

જોકે સંસદમાં ગુરુવારે વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને ધક્કો મારી પાડી દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જોકે રાહુલે સ્પષ્ટતા કરી હતી કે અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યારે ધક્કામુક્કી થઈ ગઈ હતી.