મારું નામ સાવરકર નહીં, ગાંધી ક્યારેય માફી નથી માગતાઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ લોકસભાથી અયોગ્ય ઘોષિત કર્યા પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પહેલી પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે એ પત્રકાર પરિષદમાં મોદી સરકાર અને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે  વડા પ્રધાનને લાગે છે કે મને ડરાવીને, જેલમાં નાખીને મારપીટ કરીને, ગેરલાયક ઠેરવીને ચૂપ કરાવી દેશે તો એ તેમની ગેરસમજણ છે. વડા પ્રધાન ગભરાટમાં છે. તેમણે વિપક્ષને સૌથી મોટું હથિયાર આપી દીધું છે. મને આનાથી કોઈ ફરક નથી પડતો. ભાજપથી માફી માગવા પર તેમણે કહ્યું હતું કે મારુ નામ સાવરકર નથી, હું ગાંધી છું. ગાંધી ક્યારેય માફી નથી માગતા.

તેમણે પત્રકારોને સંબોધિત કરતાં કહ્યું હતું કે હું પહેલાં પણ કહી ચૂક્યો છું કે દેશમાં લોકતંત્ર પર હુમલો થઈ રહ્યો છે. એનું ઉદાહરણ આપણે જોઈ રહ્યા છે. મેં સંસદમાં વડા પ્રધાન મોદી અને અદાણી વિશે સવાલ પૂછ્યો હતો. અદાણીને નિયમોમાં ફેરફાર કરીને એરપોર્ટ આપવામાં આવ્યાં- મેં સંસદમાં એ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે સંસદમાંથી મારું ભાષણ દૂર કરવામાં આવ્યું હતું અને પછી મેં લોકસભા અધ્યક્ષને એક ઉત્તર લખ્યો હતો. કેટલાક મંત્રીઓએ મારા વિશે ભ્રમ ફેલાવ્યો હતો કે મેં વિદેશી તાકતોથી મદદ માગી હતી, પણ મેં એવું કંઈ નહોતું કર્યું. હું સવાલ પૂછવાનું બંધ નહીં કરું. હું વડા પ્રધાન મોદી અને અદાણીના સંબંધો વિશે સવાલો પૂછતો રહીશ અને ભારતમાં લોકતંત્રની લડાઈ લડતો રહીશ.