રાજ્યની તમામ જેલોમાં એકસાથે દરોડાઃ પ્રતિબંધિત ચીજવસ્તુ જપ્ત

અમદાવાદઃ રાજ્યમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની સાબરમતી જેલમાં સરપ્રાઇઝ વિઝિટ પછી શુક્રવારે રાત્રે ઓપરેશન ચાલ્યું હતું. અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલોમાં બોડી વોર્ન કેમેરા (વર્દી પર લાગેલા કેમેરા)થી લેસ ટીમોએ તપાસ કરી હતી. આ દરમ્યાન કેદીઓ અને અપરાધીઓની પણ તપાસ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ, વડોદરાની સેન્ટ્રલ જેલ, સુરતની લાજપોર જેલ અને રાજકોટની જેલ સહિત રાજ્યની કુલ 17 જેલોમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા છે.

 

તમામ જેલ તેમ જ શહેર જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે કુલ 1700 પોલીસ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરેક જેલમાંથી જેલ પ્રતિબંધિત વસ્તુઓની બદી નેસ્તનાબૂદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેલ વિભાગને સાથે રાખીને રાજ્યમાં સૌપ્રથમ વખત જેલો ઉપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેલમાં સર્ચ ઓપરેશન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થયા પછી શરૂ થયું હતું.

આ ઓપરેશનમાં રાજ્યની જેલોમાંથી બે ડઝનથી વધુ મોબાઇલ મળ્યા છે. આ સિવાય અનેક પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળ્યા છે. સાબરમતી જેલમાં UPના માફિયા અતીક અહમદની બેરેકમાં તપાસ કરવામાં આવી હતી. માફિયા અતીક અહમદને સાબરમતી જેલમાં હાઇ સિક્યોરિટી બેરેકમાં રાખવામા આવ્યો છે. જૂન, 2019માં સુપ્રીમ કોર્ટના આદેશ પર ઉત્તર પ્રદેશથી અમદાવાદની હાઇ સિક્યોરિટી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો.

ગૃહ રાજ્ય મંત્રી સાથે ડીજીપી વિકાસ સહાય, જેલ વિભાગના વડા કે. એલ. એન રાવ અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત સર્ચ ઓપરેશન પર નજર રાખી રહ્યા છે. રાજ્યની જેલમાં અનધિકૃત પ્રવૃત્તિ ચાલતી હોવાનું ધ્યાને આવતાં તપાસ ચાલી રહી છે.  રાજ્યમાં સૌપ્રથમ વાર ઓપરેશન જેલને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ડેશબોર્ડ પર જોયું હતું. રાજ્યમાં ગૃહ વિભાગ મુખ્ય પ્રધાનની પાસે છે.