નાગપુરઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે કહ્યું કે દિશા સાલિયાન મૃત્યુ કેસમાં મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. ફડણવીસે આજે રાજ્ય વિધાનસભામાં જણાવ્યું કે દિશા સાલિયાન મૃત્યુ કેસ અંગે જે કોઈની પાસે કોઈ પણ પ્રકારનો પુરાવો હોય તે પોલીસને આપી શકે છે. ફડણવીસે એવી સ્પષ્ટતા કરી છે કે દિશાનાં મૃત્યુ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ કોઈ તપાસ કરી નથી. સીબીઆઈ એજન્સી પોતે પણ રદિયો આપી ચૂકી છે. એની તરફથી કોઈ ક્લોઝર રિપોર્ટ આપવામાં આવ્યો નથી. ફડણવીસે વિપક્ષને ખાતરી આપી હતી કે પોલીસ SIT નિષ્પક્ષ રીતે તપાસ કરશે અને કોઈને પણ ટાર્ગેટ નહીં બનાવે.
મૂળ કર્ણાટકના ઉડુપીની વતની, 28 વર્ષની સેલિબ્રિટી મેનેજર દિશા સાલિયાનનું 2020ની 8-9 જૂનની મધરાતે મુંબઈના મલાડ (વેસ્ટ) ઉપનગરમાં ગેલેક્સી રીજેન્ટ નામના બિલ્ડિંગના 14મા માળ પરના એક ઘરની બાલ્કનીમાંથી પડી જવાથીમૃત્યુ નિપજ્યું હતું. તેણે એ જ ઘરમાં એક પાર્ટીમાં હાજરી પણ આપી હતી, પણ બાદમાં ત્યાંની બાલ્કનીમાંથી પડી ગઈ હતી. તે બાલ્કનીમાંથી કેવી રીતે પડી ગઈ હતી તે હજી સ્પષ્ટ થયું નથી. દિશા અગાઉ બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકી હતી. દિશાનાં મૃત્યુના એક જ અઠવાડિયા બાદ સુશાંતસિંહ બાન્દ્રા (વેસ્ટ)માં તેના ઘરમાં સીલિંગ પંખા સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. તેના મૃત્યુમાં કોઈ મેલી રમત રમાઈ હોવાનો કોઈ પુરાવો હાથ લાગ્યો નથી.