મુંબઈઃ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં રહેતી 14 વર્ષની અને મંદબુદ્ધિની એક છોકરીનું અપહરણ કરી એની પર ટેક્સીમાં બળાત્કાર કરવાની એક ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.
પોલીસના જણાવ્યા મુજબ, પીડિત છોકરીને એનાં પરિવારજનો સાથે કોઈક વાતે ઝઘડો થયો હતો એટલે તેણે મલાડ (વેસ્ટ)ના માલવણી વિસ્તારમાં રહેતી એની પિતરાઈ બહેનનાં ઘેર જતાં રહેવાનું નક્કી કર્યું હતું. એ પરિવારજનોને કહ્યાં વગર ઘરમાંથી નીકળી ગઈ હતી. એ કોઈક રીતે દાદર રેલવે સ્ટેશને પહોંચી હતી અને ત્યાંથી એણે મલાડ જવા માટે ટેક્સી કરવાનું નક્કી કર્યું હતું. તેણે એક ટેક્સી રોકી હતી. ટેક્સી ડ્રાઈવરે એને ટેક્સીમાં બેસાડી હતી, પણ પાછલી સીટ પર એક બીજો માણસ પણ બેઠો હતો. તે દરમિયાન, છોકરીનાં પરિવારજનો છોકરી ન દેખાતાં ચિંતિત થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે સગીર વયની કન્યાનાં અપહરણની ફરિયાદ નોંધી હતી. શરૂઆતની તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે છોકરી મલાડમાં એની બહેનનાં ઘરમાં હતી. પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા અને છોકરીને એનાં પરિવારજનોને સુપરત કરી હતી. પરંતુ, પરિસ્થિતિ ત્યારે ગંભીર બની ગઈ જ્યારે છોકરીએ મલાડ જતી વખતે ટેક્સીની અંદર એની સાથે શું બન્યું હતું એ વાત કહી.
છોકરીએ કહ્યું કે ટેક્સીમાં બે પુરુષ હતા. એક ટેક્સી ડ્રાઈવર અને બીજો એક જણ પાછલી સીટ પર બેઠો હતો. ડ્રાઈવરે તેની છેડતી કરી હતી અને એની પર બળાત્કાર કર્યો હતો. ડ્રાઈવર મુખ્ય આરોપી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીની ધરપકડ કરી છે. એ બંને જણે ગુનાની કબૂલાત કરી છે. ટેક્સી ડ્રાઈવરનું નામ છે સલમાન ખાન અને પાછલી સીટ પર બેઠેલાનું નામ છે પ્રકાશ પાંડે. બંને જણ 25-27 વર્ષની વયના છે. પોલીસે બંને જણ સામે આઈપીસી અંતર્ગત બળાત્કારનો અને લૈંગિક અપરાધો સામે બાળકોને સુરક્ષા કાયદા (POCSO)ની કલમ હેઠળ બળાત્કારનો ગુનો નોંધ્યો છે.
