નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે તેણે દેશવ્યાપી રસીકરણ ઝુંબેશ અંતર્ગત રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યાર સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓના 20 કરોડ 78 લાખ ડોઝ પૂરા પાડ્યા છે. કેન્દ્ર સરકાર મફતમાં કોવિડ રસીઓ પૂરી પાડીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદરૂપ થઈ રહી છે.
મંત્રાલયે વધુમાં કહ્યું છે કે નાગરિકોને આપવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસે હજી એક કરોડ 94 લાખથી વધુ કોવિડ રસીનાં ડોઝ પડ્યા છે. કેન્દ્ર તરફથી એમને આગામી ત્રણ દિવસોમાં બીજા એક લાખ ડોઝ આપવામાં આવશે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 18 કરોડ 57 લાખ ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. આમાં 66 લાખ 58 હજાર આરોગ્યકર્મીઓ એવા છે જેમણે રસીના બંને ડોઝ લઈ લીધા છે. 60 વર્ષથી ઉપરની વયના 79 લાખ નાગરિકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ લીધા છે.