નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાએ સર્જેલી પરિસ્થિતિને સંભાળવાના મુદ્દે આજે લોકસભામાં કેન્દ્ર સરકાર પર વિરોધપક્ષો તૂટી પડ્યા હતા. એમના સતત શોરબકોર અને ધાંધલને કારણે ગૃહની બેઠક 22 જુલાઈ સુધી મુલતવી રાખી દેવી પડી છે. બેઠક હવે 22મીના ગુરુવારે સવારે 11 વાગ્યે ફરી મળશે. સંસદનું ચોમાસું સત્ર હજી તો ગઈ કાલથી શરૂ થયું છે, પરંતુ અનેક મુદ્દો પર વિપક્ષના પ્રહારોને કારણે શાસક ભારતીય જનતા પાર્ટી માટે આ બેઠક પડકારજનક બની રહે એવું લાગે છે.
આજે સવારે બેઠક શરૂ થયા બાદ વિરોધ પક્ષોના સભ્યોએ લોકસભા ગૃહમાં બૂમાબૂમ શરૂ કરી હતી. એને કારણે નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને વર્ષ 2021-22 માટે મેળવાનારી ગ્રાન્ટ્સ માટેની પૂરક માગણીઓ રજૂ કરવામાં ખલેલ પહોંચી હતી. એ વખતે સ્પીકરની બેઠક પર કિરીટ સોલંકી હતી. એમણે વિરોધ દર્શાવી રહેલાં સભ્યોને શાંત રહેવાની અને પોતપોતાની સીટ પર બેસી જવાની વારંવાર વિનંતી કરી હતી. પરંતુ શોરબકોર ચાલુ રહેતાં સ્પીકરે બેઠક બપોરે 2 વાગ્યા સુધી મોકૂફ રાખી દીધી હતી. ત્યારબાદ બપોરે બેઠક ફરી મળી ત્યારે પણ વિપક્ષી સભ્યોનો શોરબકોર ચાલુ રહેતાં બેઠક 22 જુલાઈ સુધી મુલતવી રાખી દેવાનો નિર્ણય લેવાયો હતો.