TMCએ મૂડીરોકાણ આકર્ષવા ટાટા માટે લાલ જાજમ બિછાવી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ તૃણમૂલ કોંગ્રેસ સરકારે રાજ્યમાં મૂડીરોકાણ કરવા માટે ટાટા ગ્રુપ માટે લાલ જાજમ બિછાવી છે. જોકે આ પહેલાં હુગલીના સિંગુરમાં નેનો ફેકટરીને એક દાયકા પહેલાં સ્થાનાંતરિત કરવા માટે મજબૂર કરવામાં આવી હતી.

ઉદ્યોગપ્રધાન પાર્થ ચેટરજીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં મોટા મૂડીરોકાણ કરતી કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રોજગારી સર્જન કરવા માટે ટીએમસી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા જણાવતાં તેમણે કહ્યું હતું કે રોજગાર આપવાની ક્ષમતાને આધારે કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. તેમણે ખુલાસો કર્યો હતો કે મમતા સરકાનું લક્ષ્ય પશ્ચિમ બંગાળમાં બે મોટાં ઉત્પાદન એકમો સ્થાપિત કરવાનું છે. ટાટાની અમારી સાથે ક્યારેય કોઈ દુશ્મની નહોતી, અમે તેમની સામે લડાઈ લડી હતી, પણ તેઓ આ દેશના સૌથી સન્માનિત અને સૌથી મોટા વેપાર ગ્રુપમાંના એક છે. તમે ટાટા (સિંગુર ફિયાસ્કા)ને એ માટે દોષ ન આપી શકો, એમ તેમણે કહ્યું હતું.

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ટાટા અને અન્ય કેટલાંક ગ્રુપોની સામે મૂડીરોકાણ સંદર્ભે વાટાઘાટ ચાલી રહી છે, પણ એ સ્પષ્ટ નથી કે કોઈ પણ પ્રોજેક્ટ્સમાં મૂડીરોકાણ આકર્ષિત થવાની સંભાવના છે.

બંગાળમાં ઓટોમોબાઇલ- ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદિત કરી શકાય છે. બિરલાએ એમ્બેસેડર કારોનું ઉત્પાદન સ્થાનિક કુશળ કારીગરોની ઉપલબ્ધાને કારણે કર્યું હતું,

બંગાળ આઇટી અને આઇટી સંબંધિત ક્ષેત્રોમાં ઉદ્યોગોને આકર્ષિત કરવા પણ ઉત્સુક છે, એમ સૂત્રોએ કહ્યું હતું.