મોદીએ આસામના મૂળ નિવાસીઓને પ્લોટની ભેટ આપી

શિવસાગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે શિવસાગર જિલ્લા સ્થિત જેરંગા પઠારમાં રહેતા જમીનવિહોણા મૂળ નિવાસીઓ માટે 1.6 લાખ જમીન પટ્ટા વિતરણ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. તેમણે 10 લાભાર્થીઓને ફાળવણીનું પ્રમાણપત્ર ભેટ આપીને આ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. આસામના મુખ્ય પ્રદાન સર્બાનંદ સોનોવાલ અને આરોગ્યપ્રધાન હિમંત બિશ્વસરમાએ આ પ્રસંગે ઉપસ્થિત રહીને સામાન્ય જનતાને સંબોધિત કર્યા હતા.

વડા પ્રધાને કહ્યું હતું કે છેલ્લાં અનેક વર્ષોમાં મને આસામના વિવિધ ભાગોમાં આવવાનો અને વિકાસ-કામોમાં જોડાવાની તક મળી છે. હું તમારા આનંદમાં સામેલ થવા આવ્યો છું. એક લાખથી વધુ મૂળ રહેવાસી પરિવારોને જમીનના માલિકીના અધિકાર મળવાથી તમારા જીવનની મોટી ચિંતા દૂર થઈ ગઈ છે.

તેમણે કહ્યું હતું કે દેશ તેમના પ્રિય નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતી ઊજવી રહ્યો છે. આ દિવસની ઓળખ પરાક્રમ દિવસના રૂપમાં હશે. તેમણે કહ્યું હતું કે સ્વતંત્રતાના આટલાં વર્ષો પછી પણ લાખો એવા પરિવારો છે, જેમને કાનૂની અધિકાર નથી મળ્યો. જેને કારણે આદિવાસી ક્ષેત્રોની મોટી વસતિ જમીનવિહોણી રહી ગઈ. જમીનનો અધિકાર મળવાથી લાખો લોકોના જીવન સ્તરમાં સુધારો થશે, એમ તેમણે કહ્યું હતું.

જમીનનો માલિકી હક મળ્યા પછી લોકોને અન્ય સરકારી સુવિધાઓ પર મળવા લાગશે. તેઓ બેન્કમાંથી લોન પણ લઈ શકશે. રાજ્યની ભાજપ સરકારે મે, 2016થી લઈને અત્યાર સુધીમાં 2.28 લાખ લોકોને જમીનના પટ્ટા આપ્યા છે. આ કારણે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલા PMના પ્રવાસને મહત્વનો માનવામાં આવી રહ્યો છે.