નવા સંસદભવનનું ભૂમિપૂજન સંપન્નઃ મોદીના હસ્તે શિલાન્યાસ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય પાટનગર દિલ્હીમાં બાંધવામાં આવનાર નવા સંસદભવનની ઈમારતનું આજે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ ભૂમિપૂજન કર્યું હતું. આ બિલ્ડિંગ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ સુધીમાં પૂરું થઈ જવાની ધારણા રખાય છે. સંસદભવન સંકુલની અંદર વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે નવા સંસદભવન બિલ્ડિંગના ભૂમિપૂજન કાર્યક્રમનો આરંભ કરાયો હતો અને તે સંપન્ન થયા બાદ શુભ મુહૂર્તમાં વડા પ્રધાન મોદીએ પરંપરાગત વિધિ વિધાન સાથે શિલાન્યાસ કર્યો હતો.

આ શુભ અને ઐતિહાસિક પ્રસંગે લોકસભા સ્પીકર ઓમ બિરલા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ તથા અન્ય કેન્દ્રીય પ્રધાનો, ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટા,વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ, સંસદસભ્યો તથા અનેક દેશોના રાજદૂતો, તેમજ અનેક ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

નવું સંસદભવન રૂ. 971 કરોડના ખર્ચે અને 64,500 સ્ક્વેર મીટર ક્ષેત્રફળમાં બાંધવામાં આવશે. નવા સંસદભવનનું નિર્માણ કરવાનો પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુ તથા લોકસભા સ્પીકર ઓમ બિરલાએ અનુક્રમે રાજ્યસભામાં અને લોકસભામાં 2019ની પાંચમી ઓગસ્ટે રજૂ કર્યો હતો. નવા સંસદભવનની ડિઝાઈન અમદાવાદની મેસર્સ એચસીપી ડિઝાઈન અને મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને ભવનનું બાંધકામ ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. ત્રિકોણાકાર ડિઝાઈનવાળા નવા સંસદભવનમાં ભારતના ગૌરવશાળી વારસા, ઈતિહાસ, સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવવામાં આવશે. લોકસભા ગૃહમાં 888 સભ્યો અને રાજ્યસભા હોલમાં 384 સદસ્યોને બેસવાની ક્ષમતા હશે. નવું ભવન સુરક્ષાને લગતી અનેક અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.