‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’માં સલમાન લડશે લેન્ડ-માફિયા સામે

મુંબઈઃ આવતા વર્ષે સલમાન ખાનની બે ફિલ્મ રિલીઝ થવાની છે. પહેલા ‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ અને ત્યારબાદ ‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’. ‘રાધે’ ફિલ્મમાં સલમાન ડ્રગ્સ માફિયા સામે લડતો જોવા મળશે જ્યારે ‘અંતિમ ધ ફાઈનલ ટ્રુથ’માં એ મુકાબલો કરશે જમીન માફિયાઓનો.

‘અંતિમઃ ધ ફાઈનલ ટ્રુથ’ ફિલ્મ 2018માં આવેલી અને બોક્સ ઓફિસ પર સફળ થયેલી મરાઠી ફિલ્મ ‘મુળશી પેટર્ન’ની સત્તાવાર હિન્દી રીમેક હશે. આ ફિલ્મમાં ખેડૂતોની મુશ્કેલીઓને દર્શાવવામાં આવશે, જેઓ પોતાની જમીન બિલ્ડરોને વેચી દે છે અને જ્ઞાનના અભાવને કારણે આખરે ગરીબીમાં ગરકાવ થઈ જાય છે. ફિલ્મના દિગ્દર્શક મહેશ માંજરેકરે કહ્યું છે કે આ ફિલ્મ સલમાનની સ્ટાર ઈમેજને અનુરૂપ હશે અને સાથોસાથ દર્શકોનું મનોરંજન પણ કરશે. આ ફિલ્મનો મુખ્ય હિરો આયુષ શર્મા હશે. સલમાન ખાન મહેમાન કલાકાર હશે, જેનો રોલ 30-40 મિનિટનો હશે. એમાં તે શીખ પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાનના એક લૂકને આયુષ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યો છે. એ જોઈને સલમાનના ચાહકોને સાનંદાશ્ચર્ય થયું હતું.

‘રાધેઃ યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ આવતા વર્ષે ઈદ તહેવારમાં રિલીઝ થવાની છે. એમાં સલમાન ઉપરાંત દિશા પટની, જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા જેવા કલાકારો પણ છે.

સલમાન ખાન: શીખ પોલીસ અધિકારીના રોલમાં