‘હાઉસફૂલ-5’ આવશેઃ દીપિકા, જોન, જેક્લીન, અભિષેક કમબેક કરશે

મુંબઈઃ અક્ષયકુમારની બોલીવૂડની સૌથી રમૂજી ફ્રેન્ચાઈઝમાંની એક, હાઉસફૂલ ફિલ્મ તેની પાંચમી આવૃત્તિ સાથે દર્શકોને હસાવવા માટે આવી રહી છે. ‘હાઉસફૂલ 4’ ફિલ્મ સફળ રહી હતી અને બોક્સ ઓફિસ પર તેણે રૂ. 200 કરોડથી વધુની કમાણી કરી હતી. હવે અક્ષયકુમાર અને નિર્માતા સાજિદ નડિયાદવાલા ‘હાઉસફૂલ 5’ બનાવશે અને એમાં ‘હાઉસફૂલ’ સિરીઝની ફિલ્મોમાં ચમકી ગયેલા તમામ મોટા સિતારાઓને ચમકાવશે એવો અહેવાલ છે. ‘હાઉસફૂલ 5’માં દીપિકા પદુકોણ, કૃતિ સેનન, જોન અબ્રાહમ, અભિષેક બચ્ચન, જેક્લીન ફર્નાન્ડિસ તથા અન્ય સિતારાઓને ચમકાવવામાં આવશે જેમણે આ સિરીઝની અગાઉની ફિલ્મોમાં કામ કર્યું હતું.

સાજિદ નડિયાદવાલા ‘હાઉસફૂલ 5’ને આઈમેક્સ ફોર્મેટમાં શૂટ કરાવવા વિચારે છે. અગાઉ બાહુબલી અને પદ્માવત ફિલ્મો આ ફોર્મેટમાં શૂટ કરવામાં આવી હતી.

‘હાઉસફૂલ’ ફિલ્મ 2010માં આવી હતી. એમાં અક્ષયકુમાર, દીપિકા, રીતેષ દેશમુખ, લારા દત્તા, અર્જુન રામપાલ, જિયા ખાન જેવા કલાકારો હતાં. 2012માં ‘હાઉસફૂલ 2’ આવી હતી, જેમાં અક્ષય, જોન અબ્રાહમ, અસીન, જેક્લીન ફર્નાન્ડિસ, રીતેષ, શ્રેયસ તલપડે, ચંકી પાંડે, મિથુન ચક્રવર્તી, રિશી કપૂર, રણધીર કપૂર ચમક્યાં હતાં. 2016માં ‘હાઉસફૂલ 3’ આવી હતી જેમાં અક્ષય, જેક્લીન ફર્નાન્ડિસ, અભિષેક બચ્ચન, નરગીસ ફખરી, રીતેષ, લિઝા હેડન, ચંકી પાંડે, જેકી શ્રોફ ચમક્યાં હતાં. 2019માં ‘હાઉસફૂલ 4’ આવી હતી, જેમાં અક્ષય, રીતેષ, બોબી દેઓલ, કૃતિ સેનન, પૂજા હેગડે, કૃતિ ખરબંદા જેવા કલાકારો હતાં.