નવી દિલ્હીઃ કોંગ્રેસના સાત સાંસદોના સસ્પેન્શન પર સરકાર અડગ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો પોતાના અસંસદીય આચરણ માટે ક્ષમા પણ તેઓ માંગી લેશે તો પણ સસ્પેન્શન પાછુ નહી ખેંચાય. તો કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈની લોકસભાની સદસ્યતા રદ્દ કરવા પર પણ વિચાર થઈ રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, ઘટનાક્રમની તપાસ માટે બનેલી સમિતિની સદસ્યતા ઓછી કરવા પર વિચાર કરી શકે છે. ગોગોઈ પર આરોપ છે કે, તેમણે કાગળ છીનવીને ફાડી નાંખ્યા છે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્ર દરમિયાન ભાગ દરમિયાન લોકસભામાં હંગામો કરવા અને અયોગ્ય આચરણ માટે કોંગ્રેસના સાત સાંસદોને બાકી રહેલા સંસદ સત્ર માટે સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસના સાત લોકસભા સભ્યોને ગુરુવારના રોજ સદનનું અપમાન કરવા અને ગેર વર્તણૂંક મામલે વર્તમાન સંસદ સત્રના બાકી રહેલા સમય માટે સસ્પેન્ડ કરી દીધા છે. સભાપતિ મીનાક્ષી લેખીએ કહ્યું કે, કોંગ્રેસના સભ્યો દ્વારા અધ્યક્ષીય પીઠથી બળપૂર્વક કાગળ છીનવી લેવા અને તેને ઉછાળવાનું આવું દુર્ભાગ્યપૂર્ણ આચરણ સંસદીય ઈતિહાસમાં કદાચ પહેલીવાર થયું છે. સસ્પેન્ડ સાંસદ ગૌરવ ગોગોઈ, ટીએન પ્રતાપન, એડવોકેટ ડીન કુરિયાકોસ, બેની બેહનન, મણિક્કમ ટૈગોર, રાજમોહન ઉન્નીથન તેમજ ગુરજીત સિંહ ઔજલા છે. સ્પીકરે કોંગ્રેસ સાંસદોની સદસ્યતા ખતમ કરવાની સરકારની માંગ પર તપાસ માટે સમિતિ બનાવવા માટેની પણ મંજૂરી આપી દીધી છે.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ કોંગ્રેસ સદસ્યો ગૌરવ ગોગોઈ, ટીએમ પ્રતાપન, ડીન કુરિયાકોસ, રાજમોહન ઉન્નીથન, બૈની બહનાન, મણિક્કમ ટાગોર અને ગુરજીત સિંહ ઓજલાને સસ્પેન્ડ કરવા સંબંધિત પ્રસ્તાવને રજૂ કર્યો જેને સદને ધ્વનિમતથી પારિત કરી દીધું. પીઠાસીન સભાપતિ મીનાક્ષી લેખીએ કહ્યું કે, જે માનનીય સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેઓ તુરંત જ બહાર જતા રહે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચોધરીએ કહ્યું કે, આજે સંસદમાં જે થયું તે લોકતંત્ર માટે શરમજનક બાબત છે. વિપક્ષ સરકાર પાસેથી માંગ કરી રહ્યું છે કે, દિલ્હીના તોફાનો પર ચર્ચા થાય કારણ કે દેશની છબી બગડી રહી છે. દેશ માટે સદનમાં ચર્ચા થાય.