મુંબઈઃ એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈથી અમૃતસર આવતી એક ફ્લાઈટનું ગયા શનિવારે એક મેડિકલ ઈમર્જન્સીને કારણે કરાચીમાં ઉતરાણ કરવામાં આવ્યું હતું. એરલાઈન દ્વારા ગઈ કાલે આ જાણકારી આપવામાં આવી હતી.
એરલાઈનના પ્રવક્તાના જણાવ્યા મુજબ, વિમાન સફરમાં હતું એ વખતે એક પ્રવાસીની તબિયત ઓચિંતી બગડી ગઈ હતી. એને તાત્કાલિક તબીબી સારવારની જરૂર ઊભી થઈ હતી. પરિણામે પાઈલટે ફ્લાઈટને કરાચીમાં ડાઈવર્ટ કરીને ઉતારી હતી, કારણ કે પ્રવાસીને તાત્કાલિક તબીબી સહાયતા પૂરી પાડવા માટે એ વખતે કરાચી સૌથી નજીકનું લોકેશન હતું. એર ઈન્ડિયાએ કરાચી એરપોર્ટ અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે ગાઢ સંકલન કર્યું હતું અને વિમાનને કરાચી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા બાદ બીમાર પ્રવાસીને તાત્કાલિક તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી. એરપોર્ટ ખાતેના ડોક્ટરે એને ચકાસીને આવશ્યક દવા આપી હતી. ડોક્ટર અને એરપોર્ટ મેડિકલ ટીમે તે પ્રવાસી સફર કરવા માટે તબીબી રીતે ફિટ છે એવું જણાવ્યા બાદ વિમાનને અમૃતસર તરફ રવાના કરવામાં આવ્યું હતું.
તે વિમાન ગયા શનિવારે દુબઈથી સ્થાનિક સમય મુજબ સવારે 8.51 વાગ્યે ઉપડ્યું હતું અને કરાચીમાં સ્થાનિક સમય મુજબ બપોરે 12.30 વાગ્યે લેન્ડ થયું હતું. ત્યારબાદ બપોરે અઢી વાગ્યે વિમાન કરાચીથી રવાના થયું હતું. એર ઈન્ડિયાએ પ્રવાસીને તાત્કાલિક મેડિકલ સેવા પૂરી પાડવા બદલ કરાચી એરપોર્ટ તથા સ્થાનિક સત્તાધીશોનો આભાર માન્યો છે.