જમ્મુ-કશ્મીર- જમ્મુ-કશ્મીર સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ખીણ ક્ષેત્રમાં અપેક્ષા કરતા સારુ પ્રદર્શન કર્યું છે. સ્થાનિક ચૂંટણી દરમિયાન ભાજપે દક્ષિણ કશ્મીરના ચાર જિલ્લામાં ક્લીન સ્વીપ કરી છે. કશ્મીરના આતંક પ્રભાવિત શોપિયાં, કુલગામ, પુલવામા અને અનંતનાગ જિલ્લામાં ભાજપે બેઠકો જીતી છે. જેને પગલે આ જિલ્લામાં સ્થાનિક સ્તરે ભાજપ માટે આ સંજીવની સમાન છે.
શનિવારે જાહેર કરાયેલા નગરપાલિકા ચૂંટણીના પરિણામમાં ભાજપનો અત્યાર સુધીમાં 12 વોર્ડમાં વિજય થયો છે, જ્યારે પાંચ વોર્ડમાં કોઈએ ફોર્મ નહીં ભરતા પસંદગી થઈ શકી નથી. આ ઉપરાંત કાઝીગુંડ નગર નિગમની ચૂંટણીમાં ભાજપે 7 પૈકી ચાર બેઠકો જીતીને બહુમત મેળવ્યો છે. સાથે જે પહલગામ પાલિકામાં 13માંથી 7 બેઠકો પર ભાજપ ઉમેદવારોનો વિજય થયો છે. પહલગામની બાકીની છ બેઠકો પર કોઈ ઉમેદવાર ના હોવાથી ત્યાં ચૂંટણી યોજાઈ નથી.
ગુલામ નબીના ગઢમાં કોંગ્રેસનો પંજો
કોંગ્રેસે પણ દક્ષિણ કશ્મીર અને મધ્ય કશ્મીરમાં ઘણા વોર્ડમાં વિજય મેળવ્યો છે. કોંગ્રેસનો અનંતનાગના ડોરુ પાલિકાની 17 બેઠકોમાંથી 14માં વિજય થયો છે. આ પાલિકાની બે બેઠકો ભાજપને મળી છે. એક બેઠક પર કોઈ ઉમેદવાર ઉભો ન રહેતા કોઈના ખાતામાં નથી ગઈ. ડોરુ વિસ્તાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગુલામ નબી મીરના પ્રભાવ હેઠળનો માનવામાં આવે છે. મીરના વિસ્તાર ઉપરાંત કોંગ્રેસના પૂર્વ સીએમ ગુલામ નબી આઝાદના જિલ્લા બડગામમાં પણ કોંગ્રેસે પંજો લહેરાવ્યો છે. બડગામની 13 બેઠકોમાંથી કોંગ્રેસની છ બેઠકો જ્યારે ભાજપની ચાર બેઠકો પર જીત થઈ છે.
જમ્મુ-કશ્મીરમાં 13 વર્ષ બાદ સ્થાનિક ચૂંટણી સંપન્ન થઈ હતી. ચાર તબક્કામાં થયેલી ચૂંટણીના અંતિમ તબક્કા માટે મતદાન 16 ઓક્ટોબરના પૂર્ણ થયું હતું, જેમાં ફક્ત 4.2 ટકા લોકોએ પોતાના મત નાંખ્યા હતા. આ અગાઉ આઠ ઓક્ટોબરે પ્રથમ ચરણમાં 83 વોર્ડ માટે 8.3 ટકા મતદાન થયું હતું. 10 ઓક્ટોબરના બીજા તબક્કાના મતદાનમાં 3.4 ટકા અને 13 ઓક્ટોબરના ત્રીજા તબક્કાના મતદાનમાં માત્ર 3.49 ટકા મતદાન થયું હતું.