અમૃતસર ટ્રેન દુર્ઘટના માટે રેલવે જવાબદાર નથી: મનોજ સિંહા

નવી દિલ્હી- અમૃતસરમાં રાવણદહન વખતે રેલવે ટ્રેક પર ઉભેલા લોકોને ટ્રેનએ અડફેટે લેતા 60થી વધુ લોકોના મોત નીપજ્યા હતાં. આ મામલે આજે દુર્ઘટના સ્થળની મુલાકાત લઈ ચુકેલા રેલવે રાજ્ય પ્રધાન મનોજ સિંહાએ કહ્યું છે કે આમા રેલવે દ્વારા કોઈ ચૂક થઈ નથી. રેલવેને આવા કોઈપણ આયોજનની જાણકારી આપવામાં આવી ન હતી. રેલવે ટ્રેકથી ત્રણસો મીટરના અંતરે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકોને અડફેટે લેનારી ટ્રેનના ડ્રાઈવરનો પણ રેલવે રાજ્યપ્રધાન મનોજ સિંહાએ બચાવ કર્યો હતો. તેમણે સમગ્ર ઘટનામાં ડ્રાઈવરની ભૂલ હોવાનો પણ ઈન્કાર કર્યો છે. તેની સાથે જ મનોજ સિંહાને મામલાની તપાસ કરવા બાબતે પૂછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું હતુ કે, અમૃતસર ટ્રેન દુર્ઘટના મામલે રેલવે દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં નહીં આવે. તેમણે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી રાજ્ય સરકારની હોવાનું પણ જણાવ્યું છે.

પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. તેમણે કહ્યું છે કે ચાર સપ્તાહમાં  તપાસનો રિપોર્ટ આવશે. અમરિન્દર સિંહે હાલ આરોપ-પ્રત્યારોપ સમય નહીં હોવાનું જણાવીને કહ્યું છે કે દુર્ઘટના ઘણી મોટી અને દુ:ખદ છે. મૃતકોના પરિવારજનોને પાંચ લાખનું વળતર આપવામાં આવશે.

રાવણદહન વખતે અમૃતસરમાં રાવણ બનીને 60થી વધુ લોકોનો જીવ લેનારી ટ્રેન મામલે ફિરોઝપુરના ડીઆરએમએ નિવેદન આપ્યું છે. ડીઆરએમનું કહેવું છે કે અમૃતસર દુર્ઘટના માટે રેલવે જવાબદાર નથી. તેમણે કહ્યું છે કે લોકોને જોઈને ડ્રાઈવરે ટ્રેનની ગતિને ધીમી કરી હતી.  ડીઆરએમએ એમ પણ કહ્યું છે કે દુર્ઘટના બાદ ટ્રેનને જો ઈમરજન્સી રોકવામાં આવી હોત તો ટ્રેનમાં બેઠેલા પ્રવાસીઓને પણ જોખમ હતું.

સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આટલા લોકોની મોટી ભીડ શું ટ્રેનના ડ્રાઈવરને દેખાઈ નહીં હોય. મીડિયા રિપોર્ટ્સ મુજબ રેલવે ડ્રાઈવરનું કહેવું છે કે રાવણ દહનને કારણે આસપાસ ઘણો ધુમાડો હતો. દુર્ઘટનાસ્થળે લાઈટની કોઈપણ વ્યવસ્થા દેખાઈ ન હતી. માટે તેને કંઈ દેખાયું ન હતું. રેલવે અધિકારીઓનું પણ કહેવું છે કે દુર્ઘટનાસ્થળે ઘણો ધુમાડો હોવાથી ટ્રેનનો ડ્રાઈવર કંઈ પણ જોઈ શકવા માટે અસમર્થ હતો.

ઉલ્લેખનીય છે કે, ડ્રાઈવર દ્વારા જો ઈમરજન્સી બ્રેક લગાવવામાં આવી હોત તો ટ્રેનના ડબ્બા ઉથલી જવાનો ભય વધી જાત અને મૃત્યુઆંક આના કરતા પણ વધી જાત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]