કોરોના-રસી આવ્યા પછી પણ માસ્ક પહેરવો પડશે

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે અને તેની સામે આ રોગને રોકવા માટેની રસી તૈયાર કરવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને એવી આશા છે કે કોરોના રસી લીધા બાદ બધું પહેલાની જેવું થઈ જશે, પરંતુ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વડાએ એક મહત્ત્વનું નિવેદન કર્યું છે. પ્રોફેસર બલરામ ભાર્ગવે ચેતવણી આપી છે કે કોરોના-રસી ઉપલબ્ધ થઈ ગયા બાદ પણ લોકોએ ઘણા લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતીઓ રાખવી પડશે. કોવિડ-19ને લગતી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે, જેમ કે માસ્ક પહેરવો અને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.

ભાર્ગવે લખનઉની કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી ખાતેથી કોવિડ-19 વ્યવસ્થાપન વિષય પરના એક વેબિનારમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે કોરોના રસી નિર્માણનું કામ ઝડપથી ચાલુ રહ્યું છે અને ટૂંક સમયમાં જ રસી ઉપલબ્ધ થઈ જશે. આવતા વર્ષના જુલાઈ સુધીમાં 30 કરોડ જેટલા લોકોને રસી આપવાનું અમારું લક્ષ્ય છે. ભારત વિકાસશીલ દેશોના 60 ટકા લોકો માટે પણ રસી તૈયાર કરી રહ્યું છે. કોરોના રસી વિકસીત કરવાના કામમાં દેશની 24 કંપનીઓ અને મેડિકલ રિસર્ચ લેબોરેટરીઓ વ્યસ્ત છે.

ભાર્ગવે કહ્યું કે માસ્ક એક વેક્સીનની જેમ જ કામ કરે છે તેથી રસી વિકસીત થઈ ગયા બાદ પણ માસ્ક પહેરવાની જરૂર ચાલુ રહેશે. માસ્ક એ લોકોને પણ સલામત રાખવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેઓ કોરોના બીમારીમાંથી સાજા થઈ ચૂક્યા છે.