દેવદિવાળીએ તુલસી પૂજન, ભગવાન વિષ્ણુ,મહાલક્ષ્મીની આરાધનાનું માહાત્મ્ય

કાર્તિકી પૂનમ 2020: કાર્તિક માસની પૂનમ આજે છે અને આ તિથિએ દેવદિવાળી ઊજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આજના દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજના દિવસે સ્નાન અને દાનનું ખાસ માહાત્મ્ય છે. શાસ્ત્રોમાં બધા મહિનાઓમાં કાર્તિક મહિનાને આધ્યાત્મિક અને શારીરિક ઊર્જા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે ગરીબોને અન્ન, ઢાબળા, ગરમ કપડાંનું દાન કરવાથી અનેક ગણું પુણ્ય મળે છે. પૂનમના દિવસે તુલસીનું વૈકુંઠ ધામમાં આગમન થયું હતું. 

કાર્તિકી પૂનમના દિવસે ચંદ્રગ્રહણ પણ છે. જોકે એ ભારતમાં નહીં દેખાય. જેથી એ ગ્રહણનો સૂતક કાળ માન્ય નથી. કોરોના કાળમાં સાવધાની રાખતાં ઘરમાં રહેલા ગંગાજળને પાણીમાં નાખીને સ્નાન કરી શકાય છે. આ દિવસે સાચા મનથી ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી મનોકામના પૂરી થાય છે.  

કાર્તિક પૂર્ણિમાની અધિષ્ઠાત્રી દેવી મહાલક્ષ્મી છે અને આજના દિવસે દાન-પુણ્યનું અનેક ગણું માહાત્મ્ય છે.  ભગવાન વિષ્ણુએ કાર્તિક પૂનમે ધર્મ અને વેદોની રક્ષા માટે મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો. જેથી આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. એક અન્ય માન્યતા અનુસાર કાર્તિક પૂર્ણિમાએ મહાદેવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એટલા માટે એને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.