મરાઠા અનામત આંદોલનઃ બીડમાં પરિસ્થિતિ અંકુશમાં; 49ની ધરપકડ

મુંબઈઃ મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં મરાઠા અનામત આંદોલનને કારણે ગઈ કાલે વણસી ગયેલી પરિસ્થિતિ આજે અંકુશ હેઠળ છે. પોલીસે ગઈ કાલના હિંસાચાર સાથે સંકળાયેલા 49 જણની ધરપકડ કરી છે. ગઈ કાલે હિંસાના અનેક બનાવો બન્યા બાદ બીડ જિલ્લાના કેટલાક ભાગોમાં ગઈ કાલે સાંજે કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો અને ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. જિલ્લા પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ નંદકુમાર ઠાકુરના જણાવ્યા મુજબ, હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

પોલીસે અત્યાર સુધીમાં 49 આંદોલનકારીઓની ધરપકડ કરી છે અને તેમની સામે રમખાણ કરવાના, લોકોના જાનને જોખમમાં મૂકવાના ગુના નોંધ્યા છે. ગઈ કાલ રાત પછી આગચંપી કે હિંસાનો એકેય બનાવ બન્યો નથી. કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસની અતિરિક્ત ટૂકડીઓને તૈનાત કરવામાં આવી છે. ગઈ કાલે આંદોલનકારીઓએ નેતાઓને ટાર્ગેટ બનાવ્યા હતા. બે વિધાનસભ્યોના ઘરને આગ લગાડી હતી. બીડ જિલ્લા કલેક્ટર દીપા મુંડેના આદેશાનુસાર, કલેક્ટર કાર્યાલય, તાલુકાઓમાં મુખ્યાલયોની આસપાસ પાંચ કિલોમીટરના વિસ્તારમાં તેમજ જિલ્લામાંથી પસાર થતા તમામ રાષ્ટ્રીય હાઈવે પર ગઈ કાલે લાગુ કરવામાં આવેલો કર્ફ્યૂ આજે ચાલુ રાખવામાં આવ્યો છે.