નવી દિલ્હીઃ દેશમાં જે રીતે રેડ કોરિડોર સંકોચાઈ રહ્યો છે, એમ હવે માઓવાદી પ્રવૃત્તિઓ કરનારાઓ માટે પણ ખરાબ સ્થિતિ ઊભી થઈ છે. સુરક્ષા દળો અને કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી યોજનાને લીધે દેશભરમાં માઓવાદી નક્સલવાદી સંગઠનો વેરવિખેર થઈ ગયા છે. દેશમાં કેટલાય વિસ્તારોમાં માઓવાદી ઘટનાઓ લગભગ ખતમ થઈ ગઈ છે.
ગૃહ મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ ગયા વર્ષે 90 જિલ્લાઓમાં માઓવાદી ઘટનાઓ સામે આવી હતી, જ્યારે આ વર્ષે માઓવાદી એક્ટિવિટી 46 જિલ્લાઓ સુધી સીમિત રહી છે. માઓવાદી સંગઠનોએ સંપૂર્ણ રીતે પરેશાન અને હતાશ છે. હતાશા અને નિરાશાને કારણે માઓવાદી સંગઠનોએ પોતાના કેડરને પત્ર લખ્યા, જેનાથી માલૂમ પડે છે કે સંગઠન ભારે નાણાકીય સમસ્યાઓથી ત્રસ્ત છે.
હવે એક વાત સ્પષ્ટ છે કે માઓવાદી સંગઠનો નાણાંની તંગીથી બેબાકળા થઈ ગયા છે અને એમનું પૂરું નેટવર્ક સંકોચાઈ રહ્યું છે. પોકળ એવી માઓવાદી વિચારધારાથી તંગ આવીને કેટલાય માઓવાદી નક્સલવાદીઓ સત્તાવાળાઓ સમક્ષ આત્મસમર્પણ પણ કરી રહ્યા છે તો અનેક માઓવાદીઓ સુરક્ષા દળો સાથેની અથડામણોમાં માર્યા ગયા છે.
જોકે કેડરના ટોચના નેતાઓ અન્ય ક્ષેત્રોના માલિકો અને ખાણમાલિકો સાથે વાટાઘાટ કરી રહ્યા છે અને માઓવાદી સંગઠન નવા બાતમીદારોને બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. સત્તાવાળાઓ આનાથી વાકેફ છે.