સિન્હા પરિવારના 3-સભ્યો બે-વર્ષમાં 3-બેઠક પર હાર્યા

પટનાઃ બિહારમાં ‘બિહારી બાબુ’ શત્રુઘ્ન સિન્હાનો આ એ પરિવાર છે, જેના ત્રણ સભ્યો છેલ્લાં બે વર્ષમાં બે ચૂંટણીમાં હારીને હવે ઘેર બેઠાં છે. ભાજપમાં રહીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવાથી માંડીને એ પાર્ટીમાંથી નીકળીને કોંગ્રેસનો હાથ ઝાલનાર પીઢ બોલીવૂડ અભિનેતા શત્રુઘ્ન સિન્હાની જિંદગીમાં છેલ્લા બે વર્ષમાં અનેક વળાંક આવ્યા છે.

પટનાની બાંકીપુર સીટ પર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર લવ સિન્હા ભાજપના ઉમેદવાર નીતિન નવીન કરતાં અડધાથીય ઓછા મતો લાવી શક્યા છે. વર્તમાન વિધાનસભ્ય નીતિન નવીનના 19,920 (65.1%) મતોની તુલનાએ લવ સિન્હાને માત્ર 7784 (25.44%) મતો મળ્યા છે.

લોકસભા ચૂંટણીમાં પણ હારનો સામનો

2019ની લોકકસભાની ચૂંટણી તરફ જોઈએ તો શત્રુઘ્ન સિન્હા પોતે પટના સાહિબ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે અને તેમનાં પત્ની પૂનમ સિન્હા લખનઉમાં સમાજવાદી પાર્ટીનાં ઉમેદવારના તરીકે ચૂંટણી લડ્યાં હતાં. બંને સીટ પર એમનો ભાજપના કેન્દ્રીય પ્રધાનો સામે પરાજય થયો હતો. શત્રુઘ્ન કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ સામે અને પૂનમ સિન્હા રાજનાથ સિંહ સામે હારી ગયાં હતાં. પટના સાહિબમાં શત્રુઘ્ન સિન્હાને 3,22,849 (32.87%) મતો મળ્યા હતા, જ્યારે રવિશંકર પ્રસાદને 6,07,506 (61.85%) મતો મળ્યા હતા. એ જ રીતે લખનઉમાં પૂનમ સિન્હાને 2,85,724 (25.59%), જ્યારે રાજનાથ સિંહને 6,33,026 (56.70%) મત મળ્યા હતા. આ રીતે 2019 લોકસભાની ચૂંટણીથી માંડીને હાલ બિહાર વિધાનસભાની ચૂંટણી સુધીમાં આ પરિવારના ત્રણ સભ્યો ત્રણ અલગ-અલગ સીટ પરથી ચૂંટણી હારી ચૂક્યા છે.

શત્રુઘ્ન સિંહા વિશે ફરિયાદ

2009-2019 સુધી સંસદસભ્ય રહેલા શત્રુઘ્ન સિન્હાની સૌથી મોટી નબળાઈ એ છે કે તેઓ બે વાર જીત્યા છતાં પણ એમણે તેમના સંસદીય ક્ષેત્રની કાળજી લીધી નહોતી. એનાથી જનતામાં એવો સંદેશ ગયો હતો કે તેઓ પોતાને કોઈ પણ નેતાથી મહાન સમજે છે. તેઓ ભાજપની બેઠકોમાં પણ સામેલ થતા નહોતા, કાર્યકર્તાઓને મળતા નહોતા અને માત્ર પાર્ટીની મોટી સભાઓમાં જ હિસ્સો લેતા હતા. સિન્હા દ્વારા આ રીતે પારકા વ્યવહારથી ભાજપના કાર્યકર્તાઓની અંદર અસંતોષ ફેલાયો હતો.