નવી દિલ્હીઃ દિલ્હી લિકર નીતિમાં કૌભાંડ મામલામાં રાઉઝ એવેન્યુ કોર્ટમાં ભૂતપૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી થઈ હતી. CBIના વકીલે આપ નેતાની જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે સિસોદિયા મુખ્ય આરોપી છે અને પુરાવા સાથે છેડછાડ કરે એવી શક્યતા છે. હાલ કોર્ટે મામલામાં ચુકાદો સુરક્ષિત રાખ્યો છે અને 30 એપ્રિલે ચુકાદો આપવામાં આવશે.
CBIએ તેમની જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને તેમને કૌભાંડના માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. આ તરફ તપાસ એજન્સીની દલીલો સાંભળ્યા બાદ ટ્રાયલ કોર્ટે મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. મનીષ સિસોદિયા દિલ્હીની રદ કરાયેલી એક્સાઇઝ પોલિસીના કેસમાં મહિનાઓથી જેલમાં છે. આ તરફ આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહને જામીન મળી ગયા છે જ્યારે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની 21 માર્ચે આ જ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ટ્રાયલ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી દાખલ કરીને લોકસભા ચૂંટણીના પ્રચારમાં ભાગ લેવાની માગ કરી હતી. સિસોદિયાના વકીલે કહ્યું હતું કે હવે કોર્ટે નિયમિત જામીન પર નિર્ણય અનામત રાખ્યો છે તેથી વચગાળાની જામીન અરજી પાછી ખેંચવામાં આવી રહી છે. બીજી તરફ CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો હતો. CBIએ કહ્યું હતું કે તેમને જામીન ન આપવા જોઈએ. CBIએ તેસને દારૂ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ ગણાવ્યા હતા. મનીષ સિસોદિયા હાલ તિહાડ જેલમાં બંધ છે.