મનિષ મલ્હોત્રા એર ઈન્ડિયાના સ્ટાફના યૂનિફોર્મને આપશે ડિઝાઈનર લુક

મુંબઈઃ એર ઈન્ડિયા એરલાઈને નામાંકિત ફેશન ડિઝાઈનર મનિષ મલ્હોત્રા સાથે ભાગીદારી કરી છે. આ અંતર્ગત મલ્હોત્રા એર ઈન્ડિયાના કેબિન ક્રૂ, કોકપિટ ક્રૂ, ગ્રાઉન્ડ અને સિક્યુરિટી સ્ટાફ સહિતના 10,000 કર્મચારીઓ માટે નવો યૂનિફોર્મ ડિઝાઈન કરશે.

આ માટે મલ્હોત્રા અને એમની ટીમના સાથીઓએ એર ઈન્ડિયાના સ્ટાફ સાથે એમની ખાસ જરૂરિયાતોને વધારે સારી રીતે સમજવા માટે ચર્ચા શરૂ કરી છે.

એર ઈન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડાયરેક્ટર કેમ્પબેલ વિલ્સને એક નિવેદનમાં કહ્યું છે કે ભારતને વિશ્વ સ્તરે એક જીવંત, સાહસી અને પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે પ્રસ્તુત કરવાની અમારી મહત્ત્વાકાંક્ષાને પરિપૂર્ણ કરવા માટે મનિષ મલ્હોત્રા સાથે સહયોગ કરવાનો અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. અમારી બ્રાન્ડ, અમારી વિરાસત અને અમારી સંસ્કૃતિને તેમજ અમારી એરલાઈનની વિશિષ્ટ આવશ્યક્તાઓને ધ્યાનમાં રાખીને  અમે મનીષ અને એમની ટીમ સાથે નિકટતાથી કાર્ય કરી રહ્યા છીએ. અમને આશા છે કે એમના સહયોગથી એક નવો અને રોમાંચક લુક મળશે જે નવી એર ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે.

મલ્હોત્રાએ પણ કહ્યું છે કે, આપણા રાષ્ટ્રીય ઉડ્ડયન દૂત સમાન એર ઈન્ડિયા સાથે સહયોગ કરવાનો મોકો મળ્યો છે એ મારે મન અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. એમના કર્મચારીઓનાં યૂનિફોર્મની પુનર્કલ્પના આનંદ અને સહયોગની સફરની શરૂઆત છે અને આ શરૂઆત કરવા માટે હું ઉત્સાહિત છું.