નવી દિલ્હી/મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં મહિલાઓ તથા બાળ વિકાસ ખાતાનાં પ્રધાન સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અમુક વાંધાજનક બાબતો જણાવતો એક અપમાનજનક વિડિયો કથિતપણે પોસ્ટ કરવા બદલ મુંબઈની પડોશના થાણે શહેરની પોલીસે એક ફેસબુક યૂઝર સામે ક્રિમિનલ ગુનો નોંધ્યો છે.
થાણે પોલીસના જણાવ્યા મુજબ, વાંધાજનક વિડિયો 29-સેકંડનો છે. આ કેસમાં ફરિયાદી ભારતીય જનતા પાર્ટી સોશિયલ મિડિયા વિભાગના એક અધિકારી છે. ભાજપના એક નેતાએ એમને વાંધાજનક ફેસબુક લિન્ક મોકલી હતી. તેના આધારે ફરિયાદ નોંધાવાઈ છે. બાદમાં, ફરિયાદીએ ભાજપના અન્ય કાર્યકર્તાઓની સાથે મળીને પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે તે વિડિયો થાણેના નૌપાડા વિસ્તારના એક પુરુષ રહેવાસીએ તેના ફેસબુક પ્રોફીલ પર મૂક્યો હતો. પોલીસે તે શખ્સ સામે ઈન્ડિયન પીનલ કોડની કલમ 504 (ઈરાદાપૂર્વક અપમાન કરવાનો ગુનો) અને માહિતી-ટેક્નોલોજી કાયદાની કલમ 66-સી (ઓળખની ચોરી કરવાનો ગુનો) અંતર્ગત ફરિયાદ નોંધી છે.