નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સીએએના વિરોધમાં ધરણા કરશે, તો હૈદરાબાદમાં અસદુદ્દીન ઓવૈસી તરફથી તિરંગા યાત્રા કાઢવામાં આવશે. આ તમામ વચ્ચે મુસ્લિમ સંગઠનોએ આજે સીએએના વિરોધમાં રોજા રાખવાની જાહેરાત કરી છે. મુસ્લિમ સંગઠનો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે અમે લોકો સીએએના વિરોધમાં એક દિવસના રોજા રાખીશું. પ્રાપ્ત વિગતો અનુસાર સીએએના વિરોધમાં આજે પણ મુસ્લિમ સંગઠનો જૂની દિલ્હીમાં આવેલી જામા મસ્જિદ વિસ્તારમાં એકવાર ફરીથી પોતાનો અવાજ ઉઠાવશે. સાંજે સંવિધાનની પ્રસ્તાવના વાંચ્યા બાદ જ રોજા તોડવામાં આવશે.
દેશની ઘણી હાઈકોર્ટમાં સીએએ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી. આને લઈને કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે નોટિસ આપી છે. આવતી સુનાવણી હવે 22 જાન્યુઆરીના રોજ થશે.