નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં ધર્માંતરણને લઈને અલાહાબાદ કોર્ટે ખ્રિસ્તી ધર્મમાં થઈ રહેલા સતત ધર્માતરણને લઈને કહ્યું હતું કે રાજ્યમાં ધર્માતરણ પુરજોશમાં ચાલી રહ્યું છે. જો આમ જ ચાલતું રહ્યું તો એક સમય એવો આવશે કે બહુસંખ્યક સમાજ ખુદ જ અલ્પસંખ્યક સમાજમાં પરિવર્તિત થઈ જશે.
આ મુદ્દે ધર્માતરણ કરવાવાળા ધાર્મિક સભાઓ પર તત્કાળ પ્રતિબંધ મૂકવામાં આવવો જોઈએ. આવા આયોજન બંધારણના આર્ટિકલ 25 કે હેઠળ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વિરુદ્ધ છે. એ આર્ટિકલ કોઈ પણ ધર્મ માનવા અને પૂજા કરવાની સાથે-સાથે પોતાનો ધર્મનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે, એમ કોર્ટે કહ્યું હતું.એક કેસમાં દાખલ જામીન અરજી ફગાવતાં હાઇકોર્ટે કહ્યું હતું કે ધર્મપ્રચારની સ્વતંત્રતા કોઈને ધર્મ પરિવર્તન કરાવવાની મંજૂરી નથી આપતી. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં ધાર્મિક આયોજનો દ્વારા ભોળા ગરીબ લોકોને ગુમરાહ કરીને ખ્રિસ્તી બનાવવામાં આવી રહ્યા છે. આવામાં ધર્મ પરિવર્તન કરાવવાના આરોપની ગંભીરતાને જોતાં અરજીકર્તાને જામીન પર છોડી ના શકાય.
જામીન ફગાવવાના આદેશ આપનારા જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે આ કેસમાં મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે હિન્દુઓને ખ્રિસ્તી બનાવવાના આરોપી અને મૌદહા હમીરપુરના નિવાસી કૈલાશની જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે જામીનની માગ કરવાવાળા પર ગંભીર આરોપ છે. બંધારણ ધર્મનો પ્રચાર કરવાની છૂટ આપે છે, પણ ધર્મ બદલવાની મંજૂરી નથી આપતો અને અરજીકર્તા પર આરોપ છે કે એણે ગામના તમામ લોકોને ખ્રિસ્તી બનાવી દીધા છે, એમ તેમણે કહ્યું હતું.
શું છે ધર્માંતરણનો કેસ?
આ મામલામાં FIR રામકલિ પ્રજાપતિ તરફથી દાખલ કરવામાં આવી હતી. જે મુજબ કૈલાશ નામના શખશે તેના માનસિક રીતે બીમાર ભાઈને એક સપ્તાહ માટે દિલ્હી લઈ ગયો હતો અને કહ્યું હતું કે તે તેની સારવાર કરાવીને પરત લાવશે. થોડા સમય પછી માહિતી મળી હતી તેના ભાઈને ખ્રિસ્તી બનાવી દેવામાં આવ્યો હતો.