રત્નાગિરીઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને ‘થપ્પડ મારવી જોઈએ’ એવી ટિપ્પણ કરનાર કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા નારાયણ રાણેની રત્નાગિરી પોલીસે આજે ધરપકડ કરી છે. રાણેએ ધરપકડ નિવારવા માટે આગોતરા જામીન માટે અરજી કરી હતી, પણ રત્નાગિરીની કોર્ટે તે ફગાવી દીધા બાદ પોલીસે એમની ધરપકડ કરી હતી.
‘થપ્પડ’ કમેન્ટ બદલ રાણે સામે પુણે અને રાયગડ જિલ્લાના મહાડ શહેરોમાં પણ પોલીસે એફઆઈઆર નોંધી છે. ધરપકડથી બચવા માટે અને પોતાની સામેની એફઆઈઆર રદ કરાવવા માટે રાણેએ મુંબઈ હાઈકોર્ટમાં અરજી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, રાણેએ ગઈ કાલે મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના મહાડમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતાં એમ કહ્યું હતું કે, ‘આ કઈ જાતના મુખ્ય પ્રધાન છે, જેમને દેશના સ્વાતંત્ર્ય દિવસની પણ ખબર નથી. જો હું ત્યાં હોત તો એમને થપ્પડ મારી હોત.’