નવી દિલ્હી- શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં ફરી એકવાર ભરતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. સામનાના માધ્યમથી શિવસેનાએ ભાજપને કહ્યું છે કે, જો રામ મંદિરનું નિર્માણ જલદીથી શરુ કરવામાં નહીં આવે તો આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે.શિવસેનાએ લખ્યું કે, ભારતીય જનતા પાર્ટી રામ મંદિરનું નિર્માણ જલદીથી કરે, નહીં તો આગામી લોકસભા ચૂંટણીમાં ‘રામ નામ સત્ય…’ માટે તયાર રહે.
સંપાદકીયમાં લખવામાં આવ્યું છે કે, બાબરી મસ્જિદને શિવ સૈનિક દ્વારા તોડી પાડવામાં આવી હતી અને તે સમયે બાલાસાહેબે તેની જવાબદારી પણ સ્વીકારી હતી. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં છે, ત્યારે હવે રામ મંદિરના નિર્માણમાં વિલંબ શા માટે થઈ રહ્યો છે?
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાએ જણાવ્યું કે, રામ મંદિરનું નિર્માણ જલદી જ કરાવવું જોઈએ. નહીં તો આગામી લોકસભા ચૂંટણીમાં જનતા BJPને સત્તા પરથી ઉતારી મુકશે. સામનામાં જણાવવામાં આવ્યું કે, BJP નેતાઓએ સત્તામાં આવતા પહેલાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો. પણ હવે તેઓ આ વાયદોને ભૂલી ગયા છે.
વધુમાં સામનામાં જણાવવામાં આવ્યું કે, લોકસભાની ચૂંટણી આવી રહી છે. અને કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે રામ મંદિરનું નિર્માણ શરુ કરાવવું જોઈએ. આપને જણાવી દઈએ કે, વર્ષ 2014માં લોકસભા ચૂંટણીના ઘોષણા પત્રમાં ભારતીય જનતા પાર્ટીએ રામ મંદિરને પણ સામેલ કર્યું હતું.