મુંબઈઃ કોરોના વાઈરસના કેસો વધી જવાનો ભય હોવાથી મહારાષ્ટ્ર સરકારે દેશના ચાર કોરોના-ગ્રસ્ત રાજ્યોમાંથી મહારાષ્ટ્રમાં આવતા પ્રવાસીઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. રાજ્ય સરકારે જાહેર કરેલી નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર્સ (SOPs) ટ્રેન, વિમાન કે રોડ માર્ગે આવનાર તમામ પ્રવાસીઓને લાગુ પડશે. આ ચાર રાજ્યો છે – ગુજરાત, ગોવા, દિલ્હી અને રાજસ્થાન. મહારાષ્ટ્રમાં આવવા માગતા ડોમેસ્ટિક વિમાન પ્રવાસીઓએ તેઓ રાજ્યના કોઈ પણ એરપોર્ટ પર લેન્ડ થવાના નિર્ધારિત સમય પૂર્વેના 72 કલાકની અંદર કોરોના માટેની RT-PCR ટેસ્ટ કરાવી લેવાની રહેશે અને તેનો રિપોર્ટ સાથે રાખવો પડશે. જે પ્રવાસીઓ પાસે કોવિડ-નેગેટિવ (RT-PCR) ટેસ્ટ રિપોર્ટ નહીં હોય તેમણે મહારાષ્ટ્રના સંબંધિત એરપોર્ટ ખાતે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવાની રહેશે અને તે માટેનો ખર્ચ એમણે પોતે જ ભોગવવાનો રહેશે. મહારાષ્ટ્રમાં આવવા માગતા વિમાન પ્રવાસીઓને ફ્લાઈટમાં ચડવા દેવાય તે પહેલાં એમનો RT-PCR રિપોર્ટ ચેક કરી લેવો એવી એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને મહારાષ્ટ્ર સરકારે વિનંતી કરી છે.
ટ્રેન માર્ગે મહારાષ્ટ્રમાં આવનાર પ્રવાસીઓએ તેઓ રાજ્યમાં નિર્ધારિત સમયે આવી પહોંચે એના 96 કલાક પહેલાં મેળવેલો RT-PCR ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. જેમની પાસે નેગેટિવ રિપોર્ટ નહીં હોય એમનું સંબંધિત રેલવે સ્ટેશન પર બોડી ટેમ્પરેચર સહિત કોરોના લક્ષણો માટે સ્ક્રીનિંગ કરવામાં આવશે. જેમનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હશે એમને ઘેર જવા દેવામાં આવશે.
એવી જ રીતે, રોડ માર્ગે મહારાષ્ટ્રમાં આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા કલેક્ટરોને સોંપવામાં આવી છે. જેમનામાં કોરોનાના લક્ષણ હોવાનું માલૂમ પડશે એમને પાછા મોકલી દેવામાં આવશે. જેમનો રિપોર્ટ નેગેટિવ હશે એમને મહારાષ્ટ્રમાં પ્રવેશવા દેવામાં આવશે.