કોરોના-વિસ્ફોટકઃ દેશમાં સૌથી ઊંચો મૃત્યુદર અમદાવાદમાં 4.1%

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહાબીમારીની બીજી લહેર શરૂ થઇ ગઇ છે. અમદાવાદ શહેરમાં અને રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં રાત્રી કરફ્યુ  લાદ્યો છે. રાજ્યમાં કોરોના સંબંધિત કેસોમાં અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ અમદાવાદ શહેરમાં થયાં છે, જે ચિંતાજનક છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1968 દર્દીઓનાં કોરોનાથી મોત થયા છે.

માત્ર ગુજરાત જ નહીં, પણ દેશના મોટા શહેરોમાં કોરોનાનો મૃત્યુદર જોઇએ તો સૌથી વધુ 4.1 ટકા મૃત્યુદર અમદાવાદ શહેરનો છે. ત્યારબાદ બીજા ક્રમે મુંબઈ આવે છે – 3.9 ટકા. ત્રીજા ક્રમે કોલકાતા છે – 2.5 ટકા, 1.6 ટકા સાથે દિલ્હી ચોથા ક્રમે છે.

અમદાવાદમાં માત્ર 9 જ વેન્ટિલેટર ઉપલબ્ધ

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. શહેરની ખાનગી હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ભરાઈ ગઈ છે. AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 72 ખાનગી હોસ્પિટલમાં 155 જેટલાં બેડ ખાલી છે. આઇસોલેશન વોર્ડમાં 79, HDUનાં 65, ICU વેન્ટિલેટર વગર આઠ અને ICU વેન્ટિલેટરનાં નવ જ બેડ ખાલી છે.

12 દિવસમાં 102 લોકોનાં મોત

અમદાવાદમાં કોરોનાની બીજી વેવ આવ્યા પછી 11 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી અમદાવાદમાં માત્ર કોરોનાથી કુલ 102 દર્દીનાં મૃત્યુ થયા છે. જોકે સરકારી ચોપડે આ 12 દિવસમાં કોરોનાથી માત્ર 42 મોત દર્શાવવામાં આવ્યા છે.

સિવિલના ડોક્ટરો-કર્મચારી સહિત 60ને કોરોના

સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમજ કર્મચારી સહિત અંદાજે 60ને કોરોનાનો ચેપ લાગ્યો છે. સત્તાવાર આંકડા મુજબ દિવાળીથી આજ સુધી સિવિલ હોસ્પિટલમાં દરરોજ 70થી 100 દર્દીને દાખલ થયા છે.