કોરોના પરિસ્થિતિ બેકાબૂઃ ગુજરાત સરકારને સુપ્રીમકોર્ટની ફટકાર

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાઈરસ રોગચાળા સંબંધિત પરિસ્થિતિ વધારે બગડી ગઈ છે અને ગુજરાતમાં તો અંકુશ બહાર જ જતી રહી છે. આવી આકરી ટીકા આજે સુપ્રીમ કોર્ટે કરી છે.

કોરોના સંબંધિત પરિસ્થિતિનો સામનો કરવા કયા પગલાં લેવામાં આવ્યા છે તે વિશે બે દિવસમાં સ્ટેટસ રિપોર્ટ નોંધાવવાનો સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ અશોક ભૂષણની આગેવાની હેઠળની બેન્ચે કેન્દ્ર સરકાર તથા તમામ રાજ્યો સરકારોને આદેશ આપ્યો છે.

ન્યાયમૂર્તિઓ આર.એસ. રેડ્ડી અને એમ.આર. શાહે કહ્યું કે ગુજરાતમાં પરિસ્થિતિ અંકુશ બહાર જતી રહી છે. તમે લગ્ન પ્રસંગની ઉજવણી મોટા પાયે શા માટે કરવા દો છો? કોર્ટે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં વધારો થયો છે. સત્તાવાળાઓએ પગલાં લેવા પડશે નહીં તો ડિસેમ્બરમાં વધારે ખરાબ પરિસ્થિતિ માટે તૈયાર રહેજો, એમ ન્યાયાધીશોએ મહારાષ્ટ્ર વતી હાજર થયેલા લૉયરને જણાવ્યું હતું.